ડ્રગ્સ પેડલરના પુત્રએ યુવકને કારની ઠોકરે ચડાવી માર માર્યો
દોઢ વર્ષ પૂર્વે ઉછીના આપેલા 7 લાખ પરત માંગ્યાનો ખાર રાખી કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ કર્યાનો યુવાનનો આક્ષેપ
રાજ્ય પોલીસવડાના આદેશ બાદ રાજકોટ પોલીસ આવારા તત્વોના લિસ્ટ તૈયાર કરી કાનૂની પાઠ ભણાવી રહી છે. ત્યારે કુખ્યાત સુધા ધામેલીયાના પુત્ર સહિતના શખ્સોએ ફરી લખાણ ઝળકાવ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં હાથ ઉછીના આપેલા રૂૂ7 લાખની ઉઘરાણી કરનાર યુવકને કારની ઠોકરે ચડાવી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં યુવકના મિત્રને પણ ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રૈયા રોડ ઉપર મીરાનગરમાં બાપા સીતારામ ચોકમાં રહેતા અજયસિંહ દોલુભા ચુડાસમા નામનો 33 વર્ષનો યુવાન રાત્રીના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલ ધરમનગર આવાસ યોજનાના ક્વાર્ટર્સ નજીક મુરલીધર ચોકમાં મિત્ર સાથે બેઠો હતો ત્યારે કુખ્યાત સુધા ધામેલીયાનો પુત્ર હિતેશ ધામેલીયા તેના સાગરીતો સાથે કારમાં ધસી આવ્યો હતો અને અજયસિંહ ચુડાસમાને કારની ઠોકરે ચડાવી ઢીકા પાટુનો માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં દોઢ વર્ષ પૂર્વે હિતેશ ધામેલીયા જેલમાં હતો તે દરમિયાન અજયસિંહ ચુડાસમાએ મિત્રતાના દાવે રૂૂ.7 લાખ હાથ ઉછીનાં આપ્યા હતા. જે રૂૂપિયાની ઉઘરાણી કરતા હિતેશ ધામેલીયા સહિતના શખ્સોએ કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ કરી માર માર્યો હોવાનો અને તેના મિત્ર ભગુ કોળીને પણ ઇજા પહોંચી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસને નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.