નશાખોર પતિ મારકૂટ કરતો, ફરિયાદ કરી તો આપઘાત કરી ચિઠ્ઠીમાં નામ લખતો જઇશ : પત્નીને આપી ધમકી
રાજકોટ શહેરમાં પત્નીને ત્રાસ આપતા પતિ અને સાસરીયાઓ વિરૂદ્ધ અનેકવાર પોલીસ મથકમાં ફરિયાદ નોેંધવામાં આવી છે. ત્યારે એક ચોકાવનારો કિસ્સો રાજકોટ શહેરમાં બન્યો છે જેમા મવડી ચોકડી પાસે આવેલી શ્રીહરિ સોસાયટીમાં રહેતા એક પરિણીતાએ તેમના પતિ અને તેમના મિત્ર વિરૂદ્ધ ધમકી, ગાળો આપવી અને ત્રાસ અંગેની રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. આ ઘટનામા પોલીસે બંને શખ્સોને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે.
શ્રીહરિ સોસાયટીમાં રહેતા કાજલબેન વિપુલભાઇ દેસાણી નામના બાવાજી પરિણીતાએ તેમના પતિ વિપુલ દેસાણી અને તેમના મિત્ર અતુલ ગોહેલ વિરૂદ્ધ ત્રાસ, મારકુટ અને ગાળો આપી, ધમકી અંગેની ફરીયાદ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે જેમા કાજલબેને પોતાની ફરિયાદમાં આક્ષેપો કરતા જણાવ્યુ હતુ કે તેમના લગ્ન 22 વર્ષ પહેલા વિપુલ દેસાણી સાથે થયા હતા. તેમને સંતાનમા 20 વર્ષની દિકરી અને 16 વર્ષનો પુત્ર છે. તેમજ પોતે ઇમિટેશનનુ કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે.
બે સંતાન હોય અને પતિને દારૂની પિવાની આદત હોવાથી છેલ્લા એકાદ વર્ષથી પતિ દારૂ પી ને ઘરે આવી બંને બાળકોને લઇ ઘરેથી જતા રહેવાનુ કહેતા અને ન જાય તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા.
શારીરીક અને માનસીક ત્રાસ આપતા હતા. ગઇ તા. 5 ના રોજ રાત્રીના સમયે પતિનો ફોન આવ્યો હતો અને તેમણે નશાની હાલતમાં ગાળો આપી હતી તે દરમિયાન પતિના મિત્ર અતુલ ગોહિલે પણ જેમ ફાવે તેમ ગાળો આપી હતી. આ પહેલા પણ પતિએ અનેકવાર ઘરમાં માથાકુટ કરી હતી.
તેમજ હાલ પતિએ ધમકી આપી કે તુ પોલીસમાં ફરીયાદ કરીશ તો હું આપઘાત કરી લઇશ અને મારા મોતનુ કારણ પત્ની અને બાળકો છે તેવુ કાગળમાં લખતો જઇશ. આમ પતિનો ત્રાસ દિવસેને દિવસે વધતા જતા અંતે પોલીસ મથકમાં મહિલાએ ફરીયાદ નોંધાવી હતી.