કેશોદમાં બેફામ દોડતી કારના ચાલકે કાબૂ ગુમાવતા ઇલેક્ટ્રિકની દુકાનમાં ઘૂસી ગઇ
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માંગરોળ રોડ પર સવારે બેફામ ડ્રાઈવિંગના કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે દોડી રહેલી એક કારના ચાલકે અચાનક પોતાના વાહન પરથી કાબુ ગુમાવતા બેકાબૂ કાર રોડની બાજૂમાં આવેલી એક ઇલેક્ટ્રિકની દુકાનમાં સીધી ઘૂસી ગઈ હતી. જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
કાર દુકાનમાં ઘૂસી જતાં દુકાનના શરટર, દીવાલો અને અંદરના ઇલેક્ટ્રિક માલસામાનને મોટું નુકસાન થયું હતું. સદભાગ્યે સવારનો સમય હોવાને કારણે અથવા અન્ય કોઈ કારણોસર આ ઘટનામાં કોઈ વ્યક્તિને ગંભીર ઈજા થઈ હોવાના અહેવાલ નથી અને જાનહાનિ ટળી છે. જોકે, અકસ્માત કેટલો ગંભીર હતો તેનો અંદાજ તેના સીસીટીવી ફૂટેજ જોઇને લગાવી શકાય છે, જે હાલમાં સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ કેશોદ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી તેમજ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કારચાલક વિરુદ્ધ બેફામ ડ્રાઇવિંગ અને નુકસાન કરવા બદલ જરૂૂરી કાયદેસરના પગલાં લેવાની કાર્યવાહી શરૂૂ કરી છે.