કેકેવી સર્કલ પાસે રિક્ષા અથડાવવા મામલે ચાલકને અજાણ્યા શખ્સે માર માર્યો
કે.કે.વી સર્કલ પાસે મેટ્રો શોરૂૂમ નજીક રીક્ષા અથડાવવા મામલે અજાણ્યા રીક્ષાના ચાલકે યુવાન સાથે માથાકૂટ કરી અને માથામાં સળિયાનો ઘા ઝીંકી દીધો હતો અને તેમને બચાવવા વચ્ચે પડેલા તેમના કૌટુંબિક ભાઈ પર પણ આરોપીએ સળિયાથી હુમલો કર્યો હતો.આ મામલે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
વધુ વિગતો મુજબ,કાલાવડ રોડ પુસ્કરધામ મેઈન રોડ પર ક્વાર્ટરમાં રહેતા રમેશભાઈ નારણભાઈ ભાદરવડા(ઉ.35)એ એક અજાણ્યા જીજે.03 બીયુ 7954 નંબરના રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.રમેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારી રીક્ષા કે.કે.વી. ચોકથી જી.આઈ.ડી.સી મેટોડા પાટે ચલાવું છુ.
ગઈકાલ બપોરના દોઢેક વાગ્યે હું મારી ઓટો રીક્ષા લઈને કે.કે.વી. ચોકમાં મેટ્રો શોરૂૂમ ની સામે રિક્ષા રાખી અને પેસેન્જર ભરી રીક્ષા ચાલુ કરવા જતો હતો ત્યારે મારી પાછળથી એક રીક્ષાના ચાલકે મારી બાજુમાંથી પોતાની રિક્ષા લઇ અને મારી રિક્ષામાં અથડાવી દઈ અને આગળ ઉભી રાખી અને તે રીક્ષા ચાલક રિક્ષામાંથી બહાર આવેલ જેને મેં કેમ મારી રીક્ષા માં અથડાવે છે આમ કહેતા આ રીક્ષા ચાલક મને ગાળો દેવા લાગતા મેં મારા મોબાઈલ ફોનમાથી આ રીક્ષા ચાલકના રીક્ષાના તથા તે વ્યક્તિના વિડીયો રેકોર્ડિંગ કરતા આ રીક્ષા ચાલાક તેની રિક્ષામાંથી એક લોખંડનો સળીયો લાવી મને માથાના ભાગે તથા ડાબા હાથે પગે મારતા મને મુંઢ ઇજા થઈ હતી.
આ વખતે ત્યાં હાજર મારા કુટુંબી ભાઈ સાગરભાઈ કેશુભાઈ શીંગરખિયા આવી જતા મને વધુ મારથી બચાવવા જતાં તેને પણ આ રીક્ષા ચાલકે સળિયો મારતા તેને શરીરે મૂઢ ઈજા થયેલ અને આ વખતે અમોને મારનાર રીક્ષા ચાલકના રીક્ષા નંબર જોતા જીજે.03 બીયુ 7954 ના હોય અને આ ઝઘડો થતા તે વ્યક્તિ તેની રીક્ષા લઇ જતો રહ્યો હતો.આ ઘટનામાં તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.