ડબલ મર્ડરના આરોપી કોડીનારમાં ફ્રૂટ વેચતા’તા : પોલીસે વેશ પલટો કરી દબોચ્યા
2017ની સાલમાં ફ્રૂટના ધંધાર્થીઓને ઠપકો આપવા જેવી નજીવી બાબતે ભરવાડ પિતા-પુત્ર પર સરાજાહેર છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી
છેલ્લા 1 મહિનાથી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આરોપીઓ પર વોચ ગોઠવી નજર રાખી હતી : ગઇકાલે મોકો મળતા પિતા-પુત્ર સહિત ત્રણેયને ઝડપી લીધા
રાજકોટ શહેરમા સાધુ વાસવાણી રોડ પર ર017 ની સાલમા ફ્રુટના ધંધાર્થીને ઠપકો જેવા દેવી નજીવી બાબતે ભરવાડ પિતા - પુત્રને છરીના ઘા ઝીકી હત્યાની ઘટના બની હતી. આ ઘટનામા ભરવાડ સમાજના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા અને જયા સુધી આરોપીઓ પકડાય નહી ત્યા સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટીમે આરોપીને દબોચી લઇ જેલભેગા કર્યા હતા. આ ઘટનામા જેલમા રહેલા આરોપીઓ પેરોલ પર છુટી છેલ્લા 3 વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયા હતા. ત્યારે રાજકોટ શહેરની પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે બાતમીને આધારે કોડીનાર પાસેથી હત્યાના ગુનામા સંડોવાયેલા 3 આરોપીને ઝડપી લઇ રાજકોટ તેમજ અમદાવાદ જેલ હવાલે કર્યા હતા.
વધુ વિગતો મુજબ સાધુ વાસવાણી રોડ પર આવેલા કૈલાશપાર્ક શેરી નં 10 મા રહેતા હકકાભાઇ ગગજીભાઇ સોહલા અને તેના પિતા ગગજીભાઇને મુરલીધર ચોક પાસે સુલતાન જાવેદ, રાજા જાવેદ સહીત 4 શખ્સોએ છરી ઝીકી હત્યા કર્યાની ઘટના અંગેની ફરીયાદ યુનિવર્સિટી પોલીસમા વિપુલ ગગજીભાઇ સોહલાએ નોંધાવી હતી જેમા તેઓએ જણાવ્યુ હતુ કે સાધુ વાસવાણી રોડ પર ફ્રુટની લારી રાખીને ધંધો કરતા સુલતાન જાવેદ ગગજીભાઇ સાથે મજાક મશ્કરી કરી હતી જે મામલે બંને પક્ષે માથાકુટ થતા આરોપીઓએ છરીના ઘા ઝીકી પિતા - પુત્રની હત્યા કરી હતી.
ત્યારે આરોપીઓને પકડી ક્રાઇમ બ્રાન્ચે જેલ હવાલે કર્યા હતા. આ ચકચારી ડબલ મર્ડરની ઘટનામા જેલમા રહેલા પિતા - પુત્ર પેરોલ પર છુટયા હતા અને સમય મર્યાદા મુજબ જેલમા હાજર થવાને બદલે નાસતા ફરતા હતા. આ સમયે પેરોલ ફર્લો સ્કવોડના પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાટ, પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ જે. જી. તેરૈયા, પીએસઆઇ વીભા એ. પરમાર, એએસઆઇ અમૃતભાઇ મકવાણા, જહીરભાઇ ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજદિપસિંહ ચૌહાણ, રોહિતભાઇ કછોટ, કુલદિપસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ ઝાલા, શાંતુબેન મુળીયા, શિરાજભાઇ ચાનીયા અને દોલતસિંહ રાઠોડ સહીતની ટીમ આરોપીઓને પકડવા કાર્યરત હતી તે દરમિયાન બાતમી મળી કે આરોપીઓ કોડીનારમા ફ્રુટની લારી તેમજ શાકભાજીની લારી ચલાવતા હોવાનુ જાણવા મળ્યુ હતુ. આરોપીઓ શાતીર દિમાગ ધરાવતા હોય જેથી પોલીસે છેલ્લા 1 મહીનાથી આરોપીઓ જે વિસ્તારમા રહેતા હતા અને લારી ચલાવતા તે જગ્યા પર આટાફેરા શરૂ કરી દીધા હતા અને આરોપીઓની ઓળખ મેળવી આરોપીઓ મહંમદ હુશેન ઉર્ફે રાજા જાવેદભાઇ કામદાર, મહંમદ નફીસ ઉર્ફે બાબા ઉર્ફે નજીર મહંમદ જાવેદ મુસાભાઇ મેમણ અને જાવેદ મુસાભાઇ કામદારને દબોચી લઇ રાજકોટ તેમજ અમદાવાદ જેલ હવાલે કરી દીધા હતા.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
જાવેદ કામદાર અગાઉ હત્યાના પ્રયાસ, 2014 મા અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ મથક હેઠળના મર્ડર ગુનામા રાજકોટ યુનિવર્સિટી પોલીસના ડબલ મર્ડરના ગુનામા તેમજ રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસમા ધમકી આપવાના ગુનામા પોલીસ ચોપડે ચડી ચુકયો છે ત્યારબાદ મહંમદ નફીસ ઉર્ફે બાબા 2014 મા અમદાવાદના કાગડાપીઠ પોલીસ મથકમા મર્ડરનો ગુનો, યુનિવર્સિટી પોલીસમા ડબલ મર્ડર અને ગાંધીગ્રામમા ધમકી અંગેનો ગુનો નોંધાઇ ચુકયો છે અને મહંમદ હુશેન ઉર્ફે રાજા અગાઉ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમા ડબલ મર્ડરના ગુનામા પોલીસ ચોપડે ચડી ચુકયો છે.