વગર કારણે રૂપિયા ન માગો અમે પણ ગરીબ છીએ, કહેતા રિક્ષાચાલકનો પગ ભાંગી નાખ્યો
શહેરના મોરબી રોડ પર રીક્ષા ચાલક પાસેથી વગર કારણે પૈસા માંગતા બે ભાઇ સહીત 3 શખ્સોએ માથાકુટ કરી રીક્ષા ચાલકને પાઇપ વડે માર મારી પગ ભાંગી નાખતા પોલીસમાં ફરીયાદ નોંધવામાં આવી છે. આ મામલે આરોપીને સકંજામાં લેવા પોલીસે તજવીજ શરૂ કરી છે.બનાવની વધુ વિગતો મુજબ કુવાડવા રોડ પર આવેલી ચામુંડા સોસાયટીમાં રહેતા સંજય શંકરદાસ અગ્રાવત નામના બાવાજી યુવાને પોતાની ફરીયાદમાં દિપક ઉર્ફે દિપો જીવણપુરી રામાવત, તેમનો ભાઇ હકો રામાવત અને ભવન ઉર્ફે સુનિલ શેટ્ટી મોતીદાસ ગોસ્વામી સામે ફરીયાદ નોંધાવી છે. સંજયે ફરીયાદમાં જણાવ્યુ હતુ કે પોતે રીક્ષા ચલાવી પરીવારનુ ગુજરાન ચલાવે છે. તેમની પાસે દિપક ઉર્ફે દિપો અવાર નવાર વગર કારણે પૈસા માંગતો હોય જેથી તેમને પૈસા માંગવાની ના પાડતા બંને વચ્ચે માથાકુટ થઇ હતી અને બાદમાં સમાજમાં જ સમાધાન થઇ ગયુ હતુ.
ત્યારબાદ ર4 તારીખના રોજ મોટાભાઇ મગનભાઇ અગ્રાવત અને પોતે પારેવડી ચોકથી મોરબી રોડ પર જકાત નાકા પાસે જતા હતા ત્યારે ધોળકીયા સ્કુલ નજીક રીક્ષા અટકાવી દિપક ઉર્ફે દિપો, તેમનો ભાઇ હકો અને ભવન ઉર્ફે સુનિલ શેટ્ટીએ માથાકુટ કરી હતી અને પૈસા માંગ્યા હતા ત્યારે સંજયે વગર કારણે રૂપિયા ન માંગો, અમે પણ ગરીબ છીએ તેમ કહેતા પાઇપ વડે હુમલો કરી ગાળો આપતા આરોપીઓ ત્યાથી ભાગી ગયા હતા અને સંજયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો હતો. આ અંગે પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.