રાજકોટમાં તબીબે 22.49 લાખનો વીમો પકાવવા કરેલું કારસ્તાન
સમર્પણ હોસ્પિટલ કૌભાંડમાં જેલમાં રહેલા તબીબનું વધુ એક કારસ્તાન: રાધે હોસ્પિટલનાં ડોકટરના નામની સારવારના ખોટા કાગળો ઉભા કરી આરોગ્ય વીમા કંપનીમાં કલેઈમ મુકી દીધો
રાજકોટની સમર્પણ હોસ્પિટલનાં તબીબ હાલ જેલમાં રહેલા ડોકટર અંકીત હિતેશ કાથરાણીનું વધુ એક વીમા કૌભાંડ બહાર આવતાં આ મામલે વીમા કંપનીના અધિકારીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ડોકટર અંકીત કાથરાણીએ પોતાના નામના આરોગ્ય વીમા પોલિસી મેળવવા રૂા.22.49 લાખનો કલેઈમ કર્યો હતો. જેમાં રૈયા ચોકડી પાસે ડોકટર વિપુલ બોડાના નામની સારવારના કાગળો અને સિવિલ હોસ્પિટલની સહીઓ ઈમેજીંગ સેન્ટરના ખોટા એમ.આર.આઈ. રિપોર્ટ રજૂ કરી 22.49 લાખનો વીમો મેળવવા ષડયંત્ર રચ્યું હતું. તપાસ દરમિયાન આ બીજુ કૌભાંડ બહાર આવ્યું છે.
મુળ તેલંગાણા કરીમનગર ગટુદુધનપલીના વતની અને અમદાવાદ નવરંગપુરા વસુધા એપાર્ટમેન્ટમાં રહેતા અને એચ.ડી.એફ.સી.અર્બો જનરલ ઈન્સ્યુરન્સ કંપનીમાં ફરજ બજાવતાં ડોકટર શ્રીનિવાસ જનારામુ નરસૈયાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે માધાપર ચોકડી પાસે રહેતા હાલ જેલમાં રહેલા ડો.અંકીત હિતેશ કાથરાણીનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, સમર્પણ હોસ્પિટલનાં તબીબ ડો.અંકીત કાથરાણી અને તપાસમાં ખુલે તે તમામ દ્વારા આ કૌભાંડ કરવામાં આવ્યું હતું. ડો.અંકીત કાથરાણીએ પોતાના નામનો એચ.ડી.એફ.સી.અર્બોની હેલ્થ ઈન્સ્યુરન્સ પોલિસીનો 22.49 લાખનો કલેઈમ કર્યો હતો. જેમાં રૈયા ચોકડી પાસે ડોકટર વિપુલ બોડાની રાધે હોસ્પિટલમાં સારવાર કરાવી હોવાના તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત સહીઓ ઈમેજીંગ સેન્ટરના એમ.આર.આઈ.બ્રેઈનના રિપોર્ટ રજુ કર્યા હતાં. જે બાબતે તપાસમાં પોલિસી મેળવવા માટે બોગસ કાગળો રજૂ કર્યાનું ખુલ્યું હતું.
અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે રાજકોટના મયુર છુંછારે દેણુ ચુકવવા માટે ડો.અંકીત સાથે મળી 40 લાખની મેડીકલેઈમ પોલિસી મેળવવા દાવો કર્યો હતો. જે કૌભાંડ ખુલતાં પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હતો. જે તે વખતે આ ષડયંત્રમાં ડો. રશ્મીકાંત પટેલે તપાસ કરીને સમગ્ર પ્રકરણનો પર્દાફાશ કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ડો.અંકીત કાથરાણી, મયુર છુંછાર તેમજ સિવિલ હોસ્પિટલનાં સહયોગ ઈમેજીંગ સેન્ટરના કર્મચારી હિમાંશુ અને હિતેશ સહિતનાઓ ઉપરાંત સમર્પણ હોસ્પિટલનો કર્મચારી ભાવિક માંકડની સંડોવણી ખુલી હતી. જેમાં તમામ આરોપીઓ સામે ગુનો નોંધ્યો હોય અને ડો.અંકીત હાલ જેલમાં હોય ડો.અંકીત દ્વારા પોતાની વીમા પોલિસીનો 22.49 લાખનો કલેઈમ કરાયો હોય જે બાબતે તપાસ કરવામાં આવતાં ડો.અંકીત કાથરાણીનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું હોય જે મામલે ડો.અંકીત સામે ગુનો નોંધાયો હોય આ પ્રકરણમાં ડો.વિપુલ બોડા તેમજ સિવિલ હોસ્પિટલનાં સહયોગ ઈમેજીંગ સેન્ટરના કર્મચારી સહિત અન્ય કોની કોની સંડોવણી છે ? તે મામલે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ મેઘાણી અને પીએસઆઈ ગોહિલ અને તેમની ટીમે વધુ તપાસ શરૂ કરી છે.