મોરબીમા લાંચ લેતા ઝડપાયેલ તબીબ અને નર્સને પાંચ વર્ષની સજા
મોરબીની સિવિલ હોસ્પીટલમાં વર્ષ 2008 માં મહિલા દર્દીનું ઓપરેશન કરવા માટે તેના પતિ પાસે 6 હજારની લાંચ માંગી હતી જે અંગે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી અને કેસ મોરબી સ્પે. એસીબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી મેડીકલ ઓફિસર અને નર્સને કસુરવાન ઠેરવી બંનેને પાંચ વર્ષની સખ્ત સજા અને રૂૂપિયા 10-10 હજારનો દંડ ફટકાર્યો છે. ગત તા. 15-03-2008 ના રોજ ફરિયાદી અસ્લમ મેમણ દ્વારા રાજકોટ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપી ડો. પંકજકુમાર ગોબરભાઈ ગોંડલીયા અને હીનાબેન સાંવરીયાએ લાંચની માંગ કરી હતી જેમાં આરોપી પંકજકુમાર સિવિલ હોસ્પીટલમાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા અને હીનાબેન નર્સ તરીકે ફરજ બજાવતા હતા ફરિયાદી અસ્લમ મેમણની પત્નીનું ગર્ભાશય ગાંઠનં ઓપરેશન કરવામાં આવ્યું હતું જે માટે બંને આરોપીએ ફરિયાદી પાસેથી પ્રથમ રૂૂ 1800 લાંચની રકમ લીધી હતી અને બાકીના રૂૂ 4200 ને બદલે 4000 નો વાયદો કર્યો હતો જે રકમ આરોપી હીનાબેન સાવરિયાના માતા શાંતાબેન નરભેરામ સાવરિયાએ સ્વીકારી હતી.
જે લાંચ અંગે રાજકોટ એસીબી એકમમાં ફરિયાદ નોંધાઈ હતી અને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતા કેસ ચાલી જતા સરકારી વકીલ એસ સી દવેએ કોર્ટમાં રજુ કરેલા પુરાવાને ધ્યાને લઈને સ્પે. જજ (એસીબી) અને અધિક સેશન્સ જજ કમલ રસિકલાલ પંડ્યાએ આરોપી ડો. પંકજકુમાર ગોંડલીયા અને હીનાબેન નરભેરામભાઈ સાવરિયાને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો હેઠળ કસુરવાન ઠેરવી બંને આરોપીને પાંચ-પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને બંને આરોપીને રૂૂ 10 હજારનો દંડ તેમજ દંડ ના ભરે તો વધુ એક માસની કેદની સજાનો હુકમ કર્યો છે