પીરવાડી પાસે કારખાનામાંથી 60.83 લાખના હીરાની ચોરી
પાછળની ગેલેરીમાંથી અંદર ઘુસેલા તસ્કરો સીસીટીવીનું ડીવીઆર અને તિજોરી કાપી હીરા ઉઠાવી ગયા
ક્રાઇમ બ્રાંચ અને ભક્તિનગર પોલીસની અલગ અલગ ટીમો ચોરીનો ભેદ ઉકેલવા કામે લાગી
શહેરનાં કોઠારીયા રોડ પર આવેલા પીરવાડી નજીક ધરમનગર સોસાયટીમા હીરાનાં કારખાનામા તસ્કરો ત્રાટકયા હતા. એક રાત માટે બંધ પડેલા હીરા ઘસવાનાં કારખાનામા ઘુસેલા તસ્કરોએ તીજોરી ડ્રીલીંગ મસીનથી તોડી તેમાથી રૂ. 60.83 લાખના 11655 નંગ કાચા હીરા ચોરી જતા પોલીસ ફરીયાદ નોંધાઇ છે. આ મામલે ક્રાઇમ બ્રાંચ અને ભકિતનગર પોલીસે તસ્કરોનુ પગેરુ મેળવવા વધુ તપાસ શરૂ કરી છે. કારખાનાનાં પાછળની ગેલેરીમાથી ઘુસેલા તસ્કરો સીસીટીવીનુ ડીવીઆર પણ ઉઠાવી ગયા હતા.
મળતી વિગતો મુજબ શહેરનાં દેવપરા શાકમાર્કેટ પાસે વિવેકાનંદ નગરમા મુકેશ સોડા વાળી શેરીમા રહેતા અને પીરવાડી નજીક ખોડીયાર ડાયમન્ડ નામનુ હીરાનુ કારખાનુ ચલાવતા અને જોબવર્ક કરતા વિપુલ વિરજીભાઇ ગોંડલીયાએ નોંધાવેલી પોલીસ ફરીયાદમા જણાવ્યા મુજબ તે છેલ્લા બે મહીનાથી કોઠારીયા રીંગ રોડ પર પીરવાડી પાસે ખોડીયાર ડાયમન્ડ નામે હીરાનુ કારખાનુ ચલાવતા હોય આ કારખાનામા હીરા પોલીસ થાય છે. અને 44 જેટલા કારીગરો કામ કરે છે. દરરોજ સુરતથી રાજકોટમા સોરઠીયાવાડી ચોક પાસે આવેલ મહેન્દ્ર ડાયમન્ડ નામની આંગડીયા પેઢીમા પાર્સલ આવે છે અને આ પાર્સલ આંગડીયા પેઢીનો વ્યકિત વિપુલભાઇને કારખાને આપી જાય છે. સુરતથી આવતા કાચા હીરાને પોલીસ કરી સાંજે આંગડીયા મારફતે પરત સુરત મોકલવામા આવે છે.
ગઇકાલે 10-4 નાં રોજ સવારે નિત્યક્રમ મુજબ વિપુલભાઇ કારખાને ગયા ત્યારે કારીગરો કારખાને આવી ગયા હોય સુરતની સી. વી. ઇમ્પેકટ નામની પેઢી જે ચંદુભાઇ ડુંગરાણી તેનાં માલીક હોય ત્યાથી આંગડીયામા કાચા હીરા આવેલ હતા. આંગડીયાનો કર્મચારી હીરા કારખાને આપી ગયો હતો અને 1પ ઘંટીઓ પર પાલીસ કામ કર્યુ હતુ . ત્યારબાદ કારખાનાની ઓફીસમા હીરા ચેક કરવાનાં મશીન પર મેનેજર અશોકભાઇ અને મુકેશભાઇ તથા સુપર વાઇઝર હરેશભાઇએ હીરા ચેક કરી સુરતથી આવેલા હીરાનુ પાર્સલ તૈયાર કરી સાંજે આંગડીયાનાં કર્મચારીને બોલાવી પરત સુરત મોકલવા આપેલ હતુ બાદમા સાંજે કામ પુરૂ થતા કારીગરો જતા રહયા હોય કારખાને વિપુલભાઇ તથા મેનેજર અશોકભાઇ હાજર હોય ઓફીસમા રાખેલ લોખંડની તીજોરીમા સુરતથી રીપેરીંગ માટે આવેલ હીરા તથા અન્ય કાચા હીરા રાખી કારખાનુ બંધ કરી જતા રહયા હતા . સવારે છ વાગ્યે કારખાને આવ્યા ત્યારે નીચેનુ તાળુ ખોલી અંદર જતા અંદરનો દરવાજો તુટેલો જોવા મળ્યો હતો . અને અઢી ફુટની લોખંડની તીજોરી ડ્રીલથી કાપી તેમા રાખેલા રૂ. 60.83 લાખનાં 11655 નંગ હીરા ચોરી થયાનુ જાણવા મળતા ઓફીસમા સીસીટીવી કેમેરાનુ ડીવીઆર ચેક કરવા જતા તે પણ ચોરી થયાનુ માલુમ પડયુ હતુ જેથી આ મામલે પોલીસને જાણ કરી હતી.
ભકિતનગર પોલીસ મથકનાં પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા સાથે ક્રાઇમ બ્રાંચનાં પીઆઇ એમ. એલ. ડામોર તથા પીએસઆઇ એમ. કે. મોવલીયા, પીએસઆઇ વી. ડી. ડોડીયા સહીતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પ્રાથમીક તપાસમા જાણવા મળ્યુ કે કારખાનાની પાછળની ગેલેરીમાથી તસ્કરો અંદર ઘુસ્યા હોય અને 60.83 લાખનાં હીરા તીજોરીને કાપીને ઉઠાવી ગયા હતા. આ મામલે વધુ તપાસ શરૂ કરાઇ છે.
કારખાનામાં કામ કરતા 44 કારીગરો અને આંગડિયા કર્મચારીની પૂછપરછ
કોઠારીયા રોડ પર પીરવાડી પાસે આવેલ ખોડીયાર ડાયમન્ડમા થયેલ રૂ. 60.83 લાખનાં હીરાની ચોરીનો ભેદ ઉકેલવા ભકિતનગર પોલીસ સાથે ક્રાઇમ બ્રાંચ અને એલસીબીની અલગ અલગ ટીમો કામે લાગી છે. આ ચોરીમા કોઇ જાણભેદુ હોવાની શંકા વ્યકત કરવામા આવી રહી છે ત્યારે કારખાનાનાં માલીક વિપુલભાઇ ગોંડલીયાએ આપેલી હકીકતનાં આધારે કારખાનામા કામ કરતા 44 જેટલા કારીગરો તથા સુરતથી આવતા હીરા કારખાને દેવા આવતા આંગડીયાનાં કર્મચારીઓની પુછપરછ કરવામા આવી છે . કોઇએ ટીપ આપ્યા બાદ આ ચોરીને અંજામ આપવામા આવ્યાની શંકા વ્યકત થઇ રહી છે .