ધ્રાંગધ્રાના યુવાનને મધરાત્રે પ્રેમિકાને મળવા જવું ભારે પડયું, પતિ સહિત પાંચ શખ્સનો જીવલેણ હુમલો
યુવાને જીવલેણ હુમલાની ફરિયાદ કરતા, પરિણીત પ્રેમિકાએ છેડતીની ફરિયાદ નોંધાવી : બન્નેનો ઈન્સ્ટાગ્રામ પર સંપર્ક થયો હતો
સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથક ધ્રાંગધ્રા શહેરમાં રહેતા એક યુવાનનો ઈન્સ્ટાગ્રામ થકી એક પરિણીત મહિલા સાથે સંપર્ક થયો હતો. ગત તા. 15મીના રોજ મોડી રાત્રે દોઢ કલાકે યુવાન પરિણીતાને મળવા જતા પરીણીતા, તેના પતિ સહિત પાંચ આરોપીઓએ યુવાન પર જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે. જયારે સામાપક્ષે મહિલાએ યુવાન સામે અડપલાંની પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.
વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ ધ્રાંગધ્રાની એક સોસાયટીમાં 24 વર્ષીય મહિલા રહે છે. તેઓએ 4 વર્ષ પહેલા લવ મેરેજ કરેલા છે. હાલ તેઓને સંતાનમાં 2 વર્ષનો દિકરો છે. દોઢેક માસ પહેલા તેઓને ઈન્સ્ટાગ્રામ થકી સોની તલાવડી વિસ્તારમાં રહેતા ગૌતમ ગોપાલભાઈ કાચરોલા સાથે પરીચય થયો હતો. અને બન્ને વાતો કરતા હતા. બાદમાં મહિલાએ વાતો કરવાની ના પાડતા ગૌતમ અવારનવાર વાત કરવાની ધમકી આપતો હતો. ગત તા. 15મીના રોજ રાત્રે દોઢ કલાકે ગૌતમ મહિલાના ઘરે ગયો હતો. અને બળજબરીથી ગૃહપ્રવેશ કરી મહિલા સાથે અડપલા કર્યા હતા.
જયારે સામાપક્ષે ગૌતમના પિતા ગોપાલભાઈ પરસોત્તમભાઈ કાચરોલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ રાત્રે દોઢ વાગે મહિલાએ પુર્વ આયોજીત કાવતરૂૂ રચીને ગૌતમને ઘરે મળવા બોલાવ્યો હતો. જેમાં ગૌતમ જતા લોખંડની ટામી અને લાકડાના ધોકા વડે મહિલા, તેના પતિ, સસરા સહિત પાંચ શખ્સોએ જીવલેણ હુમલો કરી ઈજા પહોંચાડી હતી. જેમાં ગૌતમને સારવાર માટે શ્રીજી હોસ્પીટલ લઈ જવાયો હતો. આ અંગે સામ-સામે ફરિયાદ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે નોંધાતા વધુ તપાસ ધ્રાંગધ્રા પોલીસ ચલાવી રહી છે.