ધોરાજીની યુવતીએ મિત્રતા તોડી નાખતા ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડનો ત્રાસ
ધોરાજીમાં રહેતી એક 19 વર્ષિય યુવતીને ઈન્સ્ટાગ્રામ મારફતે અમદાવાદના એક યુવક સાથે મિત્રતા બંધાયા બાદ કોઈ કારણસર બન્ને વચ્ચે ફ્રેન્ડશીપ તુટી જતાં ઈન્સ્ટાગ્રામ યુવકે યુવતીને ધમકી આપી પજવણી કરતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ, ધોરાજીના જમનાવડ રોડ પર એક સોસાયટીમાં રહેતી 19 વર્ષિય યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમદાવાદના અંકીત સોલંકી નામના આઈડી ધારકનું નામ આપ્યું છે. યુવતીને ઈન્સ્ટાગ્રામ મારફતે અંકીત સાથે પરિચય થયા બાદ બન્ને વચ્ચે મિત્રતા બંધાઈ હતી અને વાતચીત બાદ યુવતીને કોઈ કારણસર અંકીત સાથે ફ્રેન્ડશીપ રાખવી ન હોય જેથી વાતચીત કરવાની ના પાડી ફ્રેન્ડશીપ તોડી નાખી હતી અને પોતાને મેસેજ નહીં કરવા જણાવતા અંકીતે અલગ અલગ એકાઉન્ટમાંથી સ્નેપચેટ અને ઈન્સ્ટાગ્રામમાંથી યુવતીને ફ્રેન્ડશીપ રાખલા દબાણ કરી જો ફ્રેન્ડશીપ નહીં રાખે અને વાત નહીં કરે તો આપઘાત કરી લેશે તેવી ધમકી આપી માનસિક ત્રાસ આપતાં અંતે યુવતીએ ધોરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં અમદાવાદના અંકીત સોલંકી વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.