દુષ્કર્મના ગુનામાં આરોપીને 32 વર્ષે 10 વર્ષની સજા ફટકારતી ધોરાજી કોર્ટ
પાટણવાવ પંથકની 16 વર્ષની સગીરાને અપહરણ કરી હવસનો શિકાર બનાવ્યાના કેસમાં 47 વર્ષની વયે મળ્યો ન્યાય
પાટણવાવ પંથકમાં રહેતી સગીરાને 32 વર્ષ પૂર્વે પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં સંડોવાયેલા શખ્સને ધોરાજી કોર્ટે તક્ષીરવાન ઠેરવી 10 વર્ષની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. 16 વર્ષની ઉંમરે હવસનો શિકાર બનેલી સગીરાને 47 વર્ષની વયે ન્યાય મળ્યો છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, પાટણાવાવ પંથકમાં રહેતા પરિવારની સગીરાને તા.20-1-1993નાં રોજ પાટણવાવ પંથકમાં રહેતા રમેશ કુરજી નામના શખ્સે પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી સગીરાને અલગ અલગ સ્થળોએ લઈ જઈ હવસનો શિકાર બનાવી હતી. જે અંગે પોલીસે ફરિયાદના આધારે આરોપી રમેશ કુરજીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.
જે કેસમાં તપાસ અધિકારી દ્વારા આરોપી વિરૂધ્ધ પુરતો પુરાવો મળતા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. ચાર્જશીટ બાદ કેસ ધોરાજી કોર્ટમાં ચાલવા ઉપર આવતાં ભોગ બનનારે અદાલત રૂબરૂ હાલમાં જુબાની થઈ ત્યારે 47 વર્ષની ઉંમરે જણાવેલ કે જે તે વખતે તેની 16 વર્ષની ઉંમર હતી અને આરોપી રમેશ સાથે પ્રેમ સંબંધ હતો. જેથી કોર્ટે આારોપી રમેશને અપહરણના ગુનામાં નિર્દોષ છોડી મુકયો છે જ્યારે ભોગ બનનાર કોઈપણ જાતના શરીર સંબંધની સહમતી આપવા માટે સક્ષમ ન હોય અને કાયદાની જોગવાઈ પ્રમાણે તેને દુષ્કર્મ ગણવામાં આવે તેવી સરકાર પક્ષે થયેલી દલીલોને પગલે ગ્રાહ્ય રાખી એડીશ્નલ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ જજ અલી હુશેન મોહીબુલ્લા શેખે આરોપી રમેશને દુષ્કર્મના ગુનામાં તક્ષીરવાન ઠેરવી 10 વર્ષની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ કાર્તિકેય પારેખ રોકાયા હતાં.