તલાલામાં ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કરવાના ગુનામાં દેવાયત ખવડના આગોતરા જામીન રદ
અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ મથકે ફરિયાદી ભગવતસિંહ ચૌહાણ દ્વારા લોક સાહિત્યકાર દેવાયત ખવડ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેની સામે દેવાયતસિંહ ખવડે પોતાની ધરપકડ ટાળવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જેને માર્ચ મહિનામાં શરતો સાથે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. જે શરતો મુજબ દેવાયત ખવડે કોઈ પણ ક્રિમીનલ કેશમાં સંડોવાવું નહીં, પરંતુ તાલાલામાં દેવાયત ખવડે ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કરતા તેને દેવાયત ખવડના આગોતરા જામીન રદ કરવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી.
જેને કોર્ટે ગ્રાહ્ય રાખીને દેવાયત ખવડને 30 દિવસની અંદર ચાંગોદર પોલીસ સમક્ષ સરેન્ડર કરવા હુકમ કર્યો છે. આરોપી તરફે રજૂઆત કરાઈ હતી કે, એક વખત જામીન અપાયા બાદ અસામાન્ય સંજોગો સિવાય જામીન રદ કરી શકાય નહીં. જોકે, કોર્ટે નોંધ્યું હતું કે આરોપીએ આગોતરા જામીન પર છૂટ્યા બાદ પણ ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કર્યો છે. તેને મારી નાખવાની કોશિશ કરી છે. તેને ધમકી આપીને જામીનની શરતોનો ભંગ કર્યો છે. આ સંદર્ભે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. દેવાયત ખવડે 30 દિવસની અંદર ચાંગોદર પોલીસ સમક્ષ સરેન્ડર કરવું પડશે.
ચાંગોદરમાં નોંધાયેલી ફરિયાદમાં ફરિયાદીએ લખાવ્યું હતું કે, 20 ફેબ્રુઆરી, 2025 ના રોજ તેમના પિતાની પુણ્યતિથિ નિમિત્તે સંતવાણી અને લોક ડાયરાનું આયોજન કર્યું હતું. જેમાં પોતાના સગા સંબંધી અને સમાજના લોકોને બોલાવ્યા હતા. તેના માટે લોક સાહિત્યકાર દેવાયત ખવડની એપોઇન્ટમેન્ટ લઈને 8 લાખ રૂૂપિયામાં કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. ફરિયાદીના ભત્રીજાએ રોકડા 8 લાખ રૂૂપિયા દેવાયત ખવડને આપ્યા હતા. પરંતુ તેઓ ડાયરામાં હાજર થયા નહોતા. આમ દેવાયત ખવડે એક તરફ રૂૂપિયા લઈને પ્રોગ્રામમાં હાજર ના થઈને ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી. વળી ફોન ઉપર ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, દેવાયત ખવડ આવવાનો હોવાથી તેમને અનેક જગ્યાએ બેનરો લગાવ્યા હતા. તેમ જ સ્ટેજ પાછળ પણ લાખો રૂૂપિયાનો ખર્ચો કર્યો હતો. દેવાયત ખવડે ફરિયાદીના ફાર્મ હાઉસ ઉપર સાથે ભોજન પણ લીધું હતું અને પ્રોગ્રામની જગ્યા પણ જોઈ હતી. પ્રોગ્રામની રાત્રે 11:30 કલાક સુધી દેવાયત ખવડ આવ્યા નહોતા. દેવાયત ખવડ અને તેમનો ઙઅ પણ ફોન ઉપાડતો ન હતો. તેઓ બે વાગ્યા સુધી આવ્યા ન હતા. રાત્રે ત્રણ વાગે ફરિયાદી ઉપર દેવાયત ખાવડનો સામેથી ફોન આવ્યો હતો.
બેનરો લાગી ચૂક્યા હોવાથી અને રૂૂપિયા લઈ લીધા હોવા છતાં દેવાયત ખવડ ન આવવાથી સમાજમાં પોતાની બદનામી થઈ હોવાનું ફરિયાદીએ જણાવી દેવાયત ખવડે ગુસ્સે થઈને તેમને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ દેવાયત ખવડે પણ ક્રોસ ફરિયાદ આપી હતી. જેમાં તેમના ડ્રાઇવર પર હુમલો કરાયો હોવાનું જણાવ્યું હતું.