ડીસીબીની કુનેહપૂર્વક કામગીરી: રિક્ષામાં બેસાડી લુંટ આચરતી ગેંગનો અંત, ૨૫ ચોરીઓની કબૂલાત
શહેરમાં છેલ્લા ઘણાં સમયથી તરખાટ મચાવતી રીક્ષા ગેંગને ઝડપી લેવામાં ક્રાઈમ બ્રાંચને મહત્વની સફળતા મળી છે. બેડી ચોકડી પાસે પેટ્રોલ પંપ નજીકથી પોલીસે ઓટો રીક્ષા સાથે ચાર શખસોને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રીક્ષા, મોબાઈલ અને રૂા.૫૬ હજારની રોકડ સહિત કુલ રૂા.૧,૯૧,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યેા હતો. પોલીસની પુછતાછમાં આ ટોળકીએ છેલ્લા ત્રણેક માસ દરમિયાન રાજકોટ શહેર અને મોરબી, કેશોદ, કચ્છ સહિતના વિસ્તારોમાં મળી ૨૫ મુસાફરોના ખીસ્સા હળવા કર્યાની કબુલાત આપી હતી. જેમાં ત્રણ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી મુસાફરોને ખંખેરનાર રીક્ષા ગેંગનો ત્રાસ વધ્યો હતો. સતત આવા બનાવો બની રહ્યા હતા ત્યારે ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર.ગોંડલીયા અને એમ.એલ.ડામોરની રાહબરી હેઠળ પીએસઆઈ એમ.કે.મોવલીયા તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિજયરાજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ તુલસીભાઈ ચુડાસમા, સંજયભાઈ ખાખરીયા, પ્રવિણભાઈ જતાપરાને મળેલી બાતમીના આધારે મોરબી રોડ પર બેડી ચોકડી નજીક આગળ પેટ્રોલ પપં નજીકથી પોલીસે આ રીક્ષા ગેંગને ઝડપી લીધી હતી.
ઝડપાયેલા શખસોમાં દિનેશ ઉર્ફે કાળીયો હરીભાઈ ડાભી (ઉ.વ.૨૪, રહે. શિવનગર, ગ્રીનલેન્ડ ચોકડી પાસે), કિશન મગનભાઈ વાંજા (ઉ.વ.૨૫, રહે. માલધારી સોસાયટી શેરી નં.૩), આકાશ કિશનભાઈ વાણોદીયા (ઉ.વ.૨૫, રહે. ઘંટેશ્ર્વર ૨૫ વારીયા), પ્રકાશ ઉર્ફે બકુલ નથુભાઈ સોલંકી (ઉ.વ.૨૪, રહે. ગ્રીનલેન્ડ ચોકડી પાસે)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપી પાસેથી ઓટો રીક્ષા, મોબાઈલ ફોન અને ૫૬ હજારની રોકડ સહિત કુલ રૂા.૧,૯૧,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યેા હતો. પોલીસે ઝડપાયેલા આ શખસોની પુછતાછ કરતા આ ટોળકીએ છેલ્લા ત્રણેક માસ દરમિયાન રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં મળી મુસાફરોને રીક્ષામાં બેસાડી ૨૫ ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.
રીક્ષા ગેંગે દોઢ મહિના પુર્વે માડાડુંગર પાસેથી પેસેન્જરના ૧૯,૫૦૦, ૨૦ દિવસ પુર્વે ગોંડલ રોડ પરથી ૮ હજાર, ગૌરીદડ ગામના રોડ પર પેસેન્જરના ૪ હજાર, ૧૫ દિવસ પુર્વે ગ્રીનલેન્ડ ચોકડી પાસે ૨૫૦૦, પખવાડીયા પુર્વે માર્કેટીંગ યાર્ડ પાસે ૧૫૦૦, ૧૦ દિવસ પુર્વે કેકેવી ચોક પાસે ૩ હજાર, વિધાનગર મેઈન રોડ પર ૭૫૦૦, ૭ દિવસ પુર્વે ગોંડલ ચોકડી પાસેથી ૧૩,૫૦૦, ત્રણ મહિના પુર્વે અમદાવાદમાં ચાંગોદર ચોકડીથી વચ્ચે રાજકોટ તરફ આવતા હતા ત્યારે અલગ અલગ પાંચ વ્યકિતઓ પાસેથી ૧૫,૦૦૦, ૪૦૦, ૭૦૦, ૯૦૦ તેમજ ૧૫૦૦ રોકડની ચોરી કરી હતી. ૨૦ દિવસ પુર્વે જૂનાગઢથી કેશોદ જતા રોડ પર પેસેન્જરના ૪૫૦૦, ૧૦ દિવસ પુર્વે શાપુર પુલ પાસે ૨૬૦૦, બે મહિના પુર્વે હળવદના ઉંચી માંડણ પાસે ૭૫૦૦, દોઢ મહિના પહેલા સામખીયાળી પાસે પેસેન્જરના ૪ હજાર, દોઢ મહિના પુર્વે મોરબી પાડા પુલ પાસે ૩૫૦૦, એક મહિના પુર્વે રફાળા ગામે એક હજાર, વાંકાનેરના નવા પુલ પાસે ૭ હજાર, ૨૦ દિવસ પુર્વે ટંકરા–મોરબી રોડ પર ૬ હજાર, ૧૫ દિવસ પુર્વે મોરબીના પાવડીયા પાસે ૩ પેસેન્જરના મળી ૧૦,૨૦૦, દોઢ મહિના પુર્વે માટેલ પાસે ૬ હજાર, ૬ મહિના પુર્વે ટંકારા પાસે ૭૫૦૦, મોરબી બેઠા પુલ પાસે ૯૫૦૦ અને ૬ દિવસ પુર્વે મોરબી બાવળીયાળી પાસે મુસાફરના રૂા.૧૦ હજાર ખંખેરી લીધા હતા.
આરોપીઓ સામે હત્યા સહિતના ગુના
આરોપીઓ પૈકી દિનેશ ઉર્ફે કાળીયા સામે અગાઉ આજીડેમ, બી–ડીવીઝન, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં મળી ચોરી સહિતના ચાર ગુના નોંધાઈ ચુકયા છે. કિશન વાંજા સામે બી–ડીવીઝન અને માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ચોરી, દારૂ સહિતના ચાર ગુના, આકાશ સામે ગાંધીગ્રામમાં ચોરીનો એક ગુનો અને પ્રકાશ સામે ગાંધીગ્રામમાં હત્યા, દારૂ અને થોરાળામાં ચોરીનો ગુનો નોંધાઈ ચુકયો છે.