તાલાલામાં ગ્રાહકે દુકાન સળગાવવાનો પ્રયાસ કર્યો, દુકાનદાર અને બાળકી દાઝ્યા
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેરમાં એક કલરની દુકાનમાં જ્વલનશીલ પદાર્થ ફેંકવામાં આવતા દુકાનદાર અને એક ગ્રાહકની પાંચ વર્ષની બાળકી દાઝી ગયા હતા. આ ઘટના આજે બની હતી, જેના પગલે શહેરમાં અફરાતફરી મચી ગઈ હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, એક વ્યક્તિ કલરમાં મિક્સ કરવાનો એસઆરનો 100 ગ્રામનો પદાર્થ ખરીદીને લઈ ગયો હતો. તેણે પેક ડબી ખોલીને ફરી દુકાનદારને પરત આપવાનો પ્રયાસ કર્યો. દુકાનદારે ખોલેલી ડબી પરત લેવાની ના પાડતા યુવાન ગુસ્સે ભરાયો હતો.
ગુસ્સે ભરાયેલા યુવાને ડબીમાં દિવાસળી ચાંપી સળગતી હાલતમાં તેને દુકાનમાં ફેંકી દીધી હતી. દુકાનમાં બેઠેલી આંકોલવાડીની ગ્રાહકની પાંચ વર્ષની પુત્રી આ સળગતા પદાર્થથી દાઝવા લાગી હતી. તેને બચાવવા ગયેલા દુકાનદાર હિતેશભાઈ પણ દાઝી ગયા હતા.
દાઝી ગયેલી બાળકીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જસ્મીન ટ્રેડ્સના દુકાનદાર હિતેશભાઈએ આ અંગે પોલીસને જાણ કરી હતી. સળગતો પદાર્થ ફેંકનાર યુવાન મિલ કમ્પાઉન્ડમાં આવેલી દરગાહ પાસે રહેતો અક્રમ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે અક્રમની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.