મવડીની ધી કો-ઓપરેટીવ બેંકમાં ગ્રાહકનું મહિલા સાથે ગેરવર્તન, ટ્રક ચડાવી દેવાની આપી ધમકી
માતાનું નામ જોઇન્ટ એકાઉન્ટમાં ઉમેરવા આવતા થોડો સમય રાહ જોવાનું કહેતા આરોપી ઉશ્કેરાયો હતો
શહેરના મવડી રોડ પર આવેલી ધી કો-ઓપરેટીવ બેંકની શાખામાં આવેલા ગ્રાહકે અહીં માથાકૂટ કરી બેંકના મહિલા કર્મચારીઓ સાથે અશોભનીય ભાષામાં વાત કરી માથે ટ્રક ચડાવી દેવાની ધમકી આપી હતી.
જે અંગે બેંક મેનેજરની ફરિયાદ પરથી તાલુકા પોલીસે મવડી બાયપાસ રોડ પર સંસ્કાર સાનિધ્યમાં રહેતા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ શખસઅહીં જોઈન્ટ એકાઉન્ટમાં તેની માતાનું નામ ઉમેરવા માટે આવ્યો હતો. દરમિયાન કાર્યવાહીમાં થોડો સમય લાગતા ઉશ્કેરાય ધમાલ મચાવી હતી.
મળતી વિગતો મુજબ, શહેરના યુનિવર્સિટી રોડ પર રવિરત્ન પાર્ક શેરી નંબર 2 માં કૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા અશ્વિનભાઈ કાનજીભાઈ કનેરીયા(ઉ.વ 58) દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મવડી બાયપાસ રોડ પર સંસ્કાર સિટી સામે સંસ્કાર શાનિધ્ય બી- 104 માં રહેતા જયેશ ઉર્ફે જીતુ લવજીભાઈ સોરઠીયાનું નામ આપ્યું છે. અશ્વિનભાઈ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ મવડી મેઇન રોડ પર આશીર્વાદ હોસ્પિટલની બાજુમાં જીથરીયા હનુમાનજી મંદિર સામે આવેલી ધી કો ઓપરેટિવ બેન્કની મવડી રોડ શાખામાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરે છે.
ગઇ તા.5/6 ના બપોરના સમયે આરોપી જયેશ ઉર્ફે જીતુ અહીં બેંકે આવ્યો હતો તેને પોતાનું તથા તેની માતાના નામનું જોઈન્ટ એકાઉન્ટ ખોલાવવું હોય જે બાબતે તેણે બેન્ક સ્ટાફ સાથે વાતચીત કરી હતી જેથી બેન્ક કર્મચારીએ તેમને થોડીવાર રાહ જોવા માટે કહ્યું હતું.જેથી આ શખ્સે ઉશ્કેરાઈ જઇ મહિલા બેંક કર્મચારી સાથે બોલચાલી કરવા લાગ્યો હતો. બાદમાં બ્રાન્ચ મેનેજર સમજાવવા જતા તેમની સાથે પણ બોલાચાલી અને ગાળાગાળી કરવા લાગ્યો હતો.
દરમિયાન તેણે મહિલા કર્મચારી સાથે ગેરવર્તન કરી ચારિત્ર બાબતે અશોભનીય રીતે બોલી તેમની માથે ટ્રક ચડાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ અન્ય મહિલા કર્મચારીઓ વિશે પણ જાતીય ટિપ્પણી કરી હતી. જેથી આ અંગે બ્રાન્ચ મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસની કલમ 79, 352, 351(3) મુજબ ગુનો નોંધ્યો છે. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ બી.વી.સરવૈયા ચલાવી રહ્યા છે.