જૂનાગઢમાં ગેબનશાહ પીરની દરગાહે શ્ર્વાસ લીધાની વાતે લોકોના ટોળા ઉમટ્યા
બાળકોની વાત બાદ મોડી રાત સુધી લોકોનો ચમત્કાર નીહાળવા ધસારો, શહેરભરમાં ભારે ચર્ચા
જૂનાગઢ શહેરમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. શહેરના ગોધાવાવ પાર્ટી વિસ્તાર પાસે આવેલી પ્રખ્યાત ગેબનશાહ પીરની દરગાહ ખાતે મઝારની ચાદર અચાનક હલવા લાગતા અને મઝારમાંથી કોઈ શ્વાસ લઈ રહ્યું હોય તેવા દૃશ્યો સર્જાતાં મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા દરગાહ ખાતે ઉમટી પડ્યાં હતાં. અહીં મોડીરાત સુધી લોકોનો ધસારો જોવા મળ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર જૂનાગઢ શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું છે. નોંધનીય છે કે, આ ઘટનાની ગુજરાત મિરર પુષ્ટિ કરતું નથી.
આ ઘટના અંગે સ્થાનિક રહેવાસી રસીદભાઈ મકવાણાએ જણાવ્યું કે, હું અહીં 90 વર્ષથી રહું છું. સાંજના સમયે જ્યારે બાળકો અહીં દરગાહ પાસે રમી રહ્યા હતા, ત્યારે અચાનક જ દરગાહ પરની મઝારમાં શ્વાસોશ્વાસની ક્રિયા થતી હોય તેવું લાગ્યું હતું.
બાળકોએ આ અંગે રસીદભાઈને જાણ કરતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.
રસીદભાઈના જણાવ્યા અનુસાર, જ્યારે તેઓ દરગાહ પાસે પહોંચ્યા, ત્યારે ખરેખર મઝાર હલતી હોય તેવું અનુભવાયું હતું અને નજીકના લોકો પણ એકઠા થવા લાગ્યા હતા. એકઠા થયેલા લોકોએ પણ દરગાહમાંથી શ્વાસ લેવાની ક્રિયા શરૂૂ થઈ હોય તેવું સ્પષ્ટપણે નિહાળ્યું હતું. આ વાત જોત-જોતામાં આખા વિસ્તારમાં ફેલાઈ જતાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતાં.
રસીદભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, 90 વર્ષથી હું અહીં રહું છું, પરંતુ આવો ચમત્કારિક અને અસામાન્ય બનાવ મેં અહીં પહેલીવાર જોયો છે. શ્રદ્ધાળુઓ માટે આ બનાવ કોઈ ચમત્કારથી ઓછો નથી અને તેના કારણે લોકોની આસ્થામાં વધુ વધારો થયો છે. મોડીરાત સુધી શ્રદ્ધાળુઓ આ દૃશ્યો નિહાળી ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા.