ભાણવડમાં સરકારી જમીન પર દબાણ કરતા શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો
ભાણવડ વિસ્તારમાં આવેલી સરકારી પડતર જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી રાખવા દબાણ હનુમાનગઢ ગામના શખ્સ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડના ઇન્ચાર્જ મામલતદાર જલ્પેશભાઈ રામદેભાઈ બાબરીયાએ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના હનુમાનગઢ ગામના રામદેવ જગાભાઈ ગોઢાણીયા સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે ભાણવડથી આશરે 6 કિલોમીટર દૂર ઘુમલી ગામની સીમમાં આવેલી રેવન્યુ સર્વે નંબર 32 વાળી 2.39 હેક્ટરની સરકારી પડતર જમીન છેલ્લા આશરે વીસેક વર્ષથી પચાવી પાડવામાં આવી હોવાનું જાહેર થયું છે.
આશરે 10 થી 12 વીઘા જેટલી આ સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી અને આશરે 500 થી 550 જેટલા આંબા અને મગફળીનું વાવેતર કરવામાં આવતું હતું. આ રીતે ઉપરોક્ત શખ્સ દ્વારા સરકારી જમીન ખેડીને ઉપભોગ કરી, ગેરકાયદેસર રીતે કબજો જમાવવામાં આવ્યો હોવાનું વધુમાં જાહેર થયું છે.
દબાણવાળી આ જગ્યાની કિંમત રૂૂ. 12,94,000 આંકવામાં આવી છે. આ રીતે સરકારી જમીન પચાવી પાડવા સબબ ભાણવડ પોલીસે આરોપી રામદે ગોઢાણીયા વિરુધ્ધ જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી વી.પી. માનસેતા દ્વારા હાથ ધરવામાં આવી છે.