જૂનાગઢના ગુજસીટોકના આરોપી ધીરેન કારિયાની પત્ની-પુત્ર સામે ગુનો નોંધાયો
પોલીસ તપાસમાં 1008 સીમકાર્ડ મળી આવ્યા, વોટસએપ પર ઉપયોગ થયાના ટેક્નિકલ પુરાવા પણ મળ્યા, બે આરોપી ઝડપાયા
જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાત કંન્ટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (GUJCTOC) ગુનામાં આરોપી ફરાર છે. ધીરેન કારીયા નામના આરોપીને પોલીસ પકડથી બચાવવા ઉપયોગમાં લેવાયેલા ડમી સીમ કાર્ડથી સીમ કાર્ડ કૌભાંડનો ભાંડો ફોડ્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ધીરેનની પત્ની અને પુત્રે મળીને અન્ય વ્યક્તિના નામે સીમ કાર્ડ એક્ટિવ કરાવ્યા અને તે સીમકાર્ડનો ઉપયોગ વોટ્સએપ કોલિંગ માટે કરાયો હતો. આ મામલે કુલ 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાંથી પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. ધીરેન કારીયા ગુજસીટોકના ગુનામાં હાલ ફરાર છે. ગુપ્ત માહિતીના આધારે પોલીસે તેની પત્ની નિશાબેન ધીરેન કારીયા અને પુત્ર પરમ ધીરેન કારીયાની તટસ્થતાથી પૂછપરછ કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું કે,બંનેએ ધીરેન માટે અન્યના દસ્તાવેજો પરથી બોગસ અથવા ડમી સીમ કાર્ડ એક્ટિવ કરાવ્યા,જેનો ઉપયોગ ગુપ્ત રીતે સંપર્કમાં રહેવા માટે થતો. આ ડમી સીમ કાર્ડ રાધનપુર તાલુકાના પરમાર પાસેથી મેળવવામાં આવતાં હતા.
આરોપી ભરતભાઈ શંકરભાઈ પરમાર (ઉ. વ. 38),રહે.ખાવડા,રાધનપુરે પોતાના આધાર પર અન્ય લોકોના નામે મોટા પ્રમાણમાં સીમ કાર્ડ એક્ટિવ કરાવ્યા હતા અને તે વેચતો હતો. પોલીસે તેની પાસે તપાસ કરતાં 1008 જેટલા વિવિધ કંપનીઓના સીમકાર્ડ કબ્જે કર્યા છે.આ સીમ કાર્ડ પૈકીના કેટલાક વોટ્સએપ પર ઉપયોગ થયાના ટેક્નિકલ પુરાવા પણ મળ્યા છે. પોલીસે વધુ તપાસમાં વડોદરા અને અન્ય રાજ્યઓના સંપર્કમાં રહેલા શંકાસ્પદ શખસોની પણ ઓળખ કરી છે, જેમાં સંદિપ ઉર્ફે બન્ટી (રહે.વડોદરા),ચંદન મોહનંતી (ઓરિસ્સા),અને ભરત અંબુલા (આંધ્રપ્રદેશ)ના નામ ચર્ચામાં છે. એવું અનુમાન છે કે જો આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો રાજ્યવ્યાપી ડમી સીમ કૌભાંડ સામે આવી શકે છે.