સોશિયલ મીડિયામાં હથિયારોના ફોટા મૂકી રોફ જમાવનાર ફાયનાન્સર સહિત ત્રણ સામે ગુનો નોંધાયો
રાજકોટનાં ફાયનાન્સર અને ઉપલેટાના પિતા-પુત્રને રિવોલ્વર અને ડબલ બેરલવાળી બંદૂકના ફોટા મૂકી સીન સપાટા કરવા ભારે પડ્યા
રાજકોટના ફાયનાન્સરે વણિક વૃધ્ધને વ્યાજચક્રમાં ફસાવી તેની જમીન પડાવી લીધા અંગે એસ.પી.ને થયેલીફરિયાદને આધારે તાત્કાલીક કાર્યવાહી કરી રાજકોટના ફાયનાન્સર સામે ભાયાવદર પોલીસમાં ગુનો નોંધાયા બાદ આ ફાયનાન્સર તથા તેની સાથેના ઉપલેટાના પિતા-પુત્રએ હથિયારના વિડિયો સોશીયલ મીડિયામાં મુકી લોકોમાં રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હોય જે મામલે ઉપલેટા પોલીસમાં ફાયનાન્સર તેમજ ઉપલેટાના પિતા-પુત્ર વિરૂધ્ધ આમ્સ એકટ હેઠળ ગુનો નોંધાયો છે.
ઉપલેટાના એએસઆઈ ધરમચંદ પ્રેમચંદ કટોચ દ્વારા નોંધાયેલી ફરિયાદમાં રાજકોટનાં રૈયા ચાકડી પાસે મોટા બેલા એપાર્ટમેન્ટમાં રહેતા મુળ ભાયાવદરનાં વિશાલસિંહ ઉર્ફે વિશ્ર્વરાજસિંહ ઉર્ફે વિશુભા બળવંતસિંહ ચુડાસમા તથા ઉપલેટાના દિનેશ પુંજા ડેર અને તેના પુત્ર ઉદય દિનેશ ડેર વિરૂધ્ધ આમ્સ એકટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફાયનાન્સર વિશાલસિંહ સાથે ઉદય અને દિનેશે રિવોલ્વર તથા બાર બોરના ડબલ બેરલવાળી બંદૂક જેવા હથિયારોનો જાહેરમાં વિડિયો ઉતારી રોફ જમાવવા માટે આ વિડિયોને સોશ્યલ મીડિયા ઉપર અપલોડ કરી સીનસપાટા કર્યા હોય જે મામલે પોલીસે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.
અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પૂર્વે જ ફાયનાન્સર વિશાલસિંહ ચુડાસમા સામે રાજકોટનાં વૃધ્ધની ભાયાવદર ખાતે આવેલી જમીન પચાવી પાડવા અને બે લાખનું છ લાખ વ્યાજ વસુલવા ધમકી આપવા મામલે ગુનો નોંધાયો હોય આ ઘટના બાદ સોશીયલ મીડિયામાં હથિયારો સાથે દેખાડો કરનાર વિશાલસિંહ અને ઉપલેટાના ઉદય તથા તેના પિતા દિનેશ ડેર વિરૂધ્ધ પોલીસે આમ્સ એકટ હેઠળ ગુનો નોંધી આવા સીનસપાટા કરનાર તત્વોને જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુજ્જરે શાનમાં જ સમજી જવા નિર્દેશ કર્યો છે.