જૂનાગઢની આલ્ફા સ્કૂલના સંચાલક અને માલિક સામે ગુનો નોંધાયો
મંજૂરી વિના હોસ્ટેલ ભાડે આપી, સીસીટીવી બેકઅપ નહીં રાખી જાહેરનામાનો ભંગ કર્યો
જુનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને માર મારવા મામલે પોલીસે આલ્ફા સ્કૂલની હોસ્ટેલનાં સંચાલક, માલિક સામે ગુનો દાખલ કર્યો છે. મંજૂરી વિના હોસ્ટેલ ભાડે આવી જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સરકાર તરફથી સી ડિવિઝનનાં PI વત્સલ સાવજ ફરિયાદી બન્યા છે બીજી તરફ હવે આ ઘટનામા બાળ આયોગનુ પણ આગમન થયુ છે. જુનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને હોસ્ટેલનાં જ અન્ય વિદ્યાર્થીઓ દ્વારા ઢોર માર મારવાની ઘટનામાં આખરે મોટી કાર્યવાહી થઈ છે. માહિતી અનુસાર, આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલનાં સંચાલક રાજા દાના ઝાલા અને માલિક જી.પી. કાઠી સામે ગુનો નોંધાયો છે.
પોલીસને જાણ કર્યા વગર અને મંજૂર વિના હોસ્ટેલ ભાડે આપવાથી જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે. સાથે જ 30 દિવસ CCTV નું બેકઅપ ન રાખવા બદલ પણ કાર્યવાહી કરાઈ રહી છે.
માહિતી પ્રમાણે, સરકાર તરફે સી ડિવિઝનનાં પીઆઈ વત્સલ સાવજ ફરિયાદી બન્યા છે. વિદ્યાર્થીને માર મારવાનાં ગંભીર બનાવની પોલીસને જાણ ન કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. પોલીસ દ્વારા આ બંને ગુના હેઠળ કાર્યવાહીની તજવીજ શરૂૂ કરાઈ છે. જણાવી દઈએ કે, આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને માર મારવાનાં વીડિયો થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા, જે બાદ વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો હતો. શાળા પ્રશાસન સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ વાલીઓએ ઉચ્ચારી છે.
બાળ આયોગની ટીમ દ્વારા તપાસ, અનેક અનિયમિતતા બહાર આવી
જૂનાગઢમાં આવેલી આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલ વિવાદમાં સપડાઈ છે. હોસ્ટેલમાં બાળકોને લગતા નિયમોનું પાલન ન થતું હોવાની ફરિયાદને આધારે ગાંધીનગર બાળ આયોગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસમાં અનેક ગંભીર બેદરકારીઓ સામે આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ હોસ્ટેલ નિયમ વિરુદ્ધ ચલાવવામાં આવી રહી હતી. હોસ્ટેલમાં સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓને એક જ રૂૂમમાં રાખવામાં આવતા હતા. જે બાળકોની સુરક્ષા અને યોગ્ય વાતાવરણ માટે યોગ્ય નથી. આ ઉપરાંત બાળકોને સાંજે નાસ્તો પણ આપવામાં આવતો નહોતો. હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થા પણ નબળી હોવાનું બહાર આવ્યું છે. સીસીટીવી ફૂટેજમાં વિદ્યાર્થીઓની એન્ટ્રી અને એક્ઝિટ સ્પષ્ટ રીતે થતી ન હતી. જેનાથી બાળકોની સુરક્ષા જોખમમાં મુકાય છે.
વધુમા સામાન્ય રીતે હોસ્ટેલ ચલાવવા માટે એજન્સી દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. પરંતુ આ કિસ્સામાં શાળા સંચાલક અને હોસ્ટેલ સંચાલક વચ્ચે કોઈ એજન્સી ન હોવાનું ખુલ્યું છે. સૌથી ગંભીર બાબત એ છે કે હોસ્ટેલ ચલાવનાર સંચાલકને બાળકોની સંસ્થા ચલાવવાનો કોઈ પૂર્વ અનુભવ નહોતો.