ઓખામાં બોટને અન્યત્ર લઈ જઈને નિયમનું ઉલ્લંઘન કરતા માછીમાર સામે ગુનો
દ્વારકા જિલ્લામાં સંવેદનશીલ મનાતા દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા વિવિધ પ્રકારે સાધન ચેકિંગ તેમજ સુરક્ષા વ્યવસ્થાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ મરીન પોલીસ તંત્ર દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી.
જે અંતર્ગત ગઈકાલે સોમવારે ઓખા મરીન પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં ઓખાના ડાલ્ડા બંદર વિસ્તારમાં અલ ગોસ્સ આમદ નામની એક બોટમાં ચેકિંગ કરતા આ બોટ માટે માલિક/ટંડેલ દ્વારા ફિશિંગ અંગેનું ટોકન મેળવી ને બાલાપર ફિશિંગ લેન્ડિંગ પોઇન્ટ દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ માછીમાર દ્વારા બોટને લેન્ડિંગ પોઇન્ટ બાલાપર લઈ જવાના બદલે ઓખા નજીકના ડાલ્ડા બંદર ફિશિંગ લેન્ડિંગ પોઇન્ટ ખાતે લઈ જવામાં આવતા સમગ્ર બાબતે ઓખા મરીન પોલીસે આ બોટના માછીમાર જીકર દાઉદભાઈ સાંઘાર (ઉ.વ. 50, રહે, બાલાપર) સામે ફિશરીઝ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.આ સમગ્ર કાર્યવાહી સ્થાનિક પી.એસ.આઈ. આર.આર. ઝરૂૂની ટીમ દ્વારા કરવામાં આવી હતી.