ભાવનગરમાં બનેવીની હત્યાના ગુનામાં બે આરોપીને આજીવન સજા ફટકારતી કોર્ટ
ભાવનગરમાં દસ વર્ષ પહેલા બનેલા હત્યાના બનાવ અંગે આ બનાવમાં સંડોવાયેલા બે આરોપીને કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી છે.
બનાવની વિગત એવી છે કે ભાવનગરના દિપકચોક વિસ્તારમાં રહેતા આરોપી હિતેશ ઉર્ફે જાગો દોલતભાઈ ચૌહાણની બહેન ટીનાએ હિતેશ સનતભાઈ બારૈયા સાથે આરોપીની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા એટલે તેની અદાવત રાથી તા.10 ઓક્ટોબર 2015ના રોજ રાત્રે આરોપી હિતેશ ચૌહાણ તેમજ કેવલ હિતેશભાઈ ચૌહાણ તેમજ અન્ય બે સગીર કિશોરે ધોકા અને પાઇપથી હુમલો કરતા હુમલામાં સનતભાઈ બારૈયાને ગંભીર ઇજા પહોંચી હતી.
સનતભાઈને બચાવવા માટે હિતેશ બારૈયા વચ્ચે પડતા તેને પણ આરોપીઓએ માર માર્યો હતો. આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને સારવાર દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા સનતભાઈનું મોત નિપજ્યું હતું. પોલીસે હત્યાના ગુનામાં હિતેશ ચૌહાણ અને કેવલ ચૌહાણની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ અત્રેની અદાલતમાં ચાલી જતા તેમાં મુખ્ય સરકારી વકીલ એમ.આર. જોષી હાજર રહ્યાં હતા. કેસમાં 28 સાક્ષી તપાસવામાં આવ્યા હતા તો 62 દસ્તાવેજી પુરાવા રજૂ થયા હતા. ન્યાયાધીશે બન્ને આરોપીને હત્યાના ગુનામાં કસુરદાર ઠેરવી આજીવન કેદની સજા કરી છે.