PGVCLના કર્મચારીને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી કોર્ટ
ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે રહેતા યુવાને મિત્રતાના દાવે આપેલી રકમનો ચેક રિટર્ન કેસમાં પીજીવીસીએલના કર્મચારીને એક વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરના ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે રહેતા નરેન્દ્રસિંહ અજીતસિંહ ઝાલાએ મિત્રતાના દાવે રાજકોટ ખાતે રહેતા અને પીજીવીસીએલમાં ફરજ બજાવતા ઘનશ્યામસિંહ કિરીટસિંહ ચુડાસમાને હાથ ઉછીના રૂૂ.1.60 લાખ આપ્યા હતા.
જે રકમ પરત કરવા આપેલો ચેક બેંકમાંથી વગર વસૂલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઇ મુજબ નોટીસ પાઠવવા છતા સમય મર્યાદામાં રકમ ન ચુકવતા અંતે નરેન્દ્રસિંહ ઝાલા દ્વારા પીજીવીસીએલના કર્મચારી ઘનશ્યામસિંહ ચુડાસમા વિરૂૂધ્ધ નેગોશીયેબલ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ કોર્ટમાં ચાલતા ઘનશ્યામસિંહ ચુડાસમાએ લેણું સ્વિકારી સમાધાન કર્યું હતું. બાકી રકમ 20,000 ન ચુકવતા ફરિયાદીના એડવોકેટ જયદેવસિંહ ઝાલાએ રજૂઆત કરી હતી કે ચેક રિટર્ન કેસમાં આરોપી સમાધાન પેટે અમૂક રકમ ભર્યા બાદ ન્યાયની પ્રક્રિયાને ખોરંભે પાડી છે. જેથી સમાજમાં દાખલારૂૂપ સજા કરવાની દલીલ કરી હતી.
જે રજૂઆત ધ્યાને લઇ ગોંડલની અદાલતે આરોપી ઘનશ્યામસિંહ ચુડાસમાને એક વર્ષની સજા અને એક માસમાં રકમ ન ચુકવે તો વધુ એક માસની સજાનો હુકમ કર્યો છે. ફરિયાદી નરેન્દ્રસિંહ ઝાલા વતી રાજકોટ ઝાલા લો ફર્મના યુવા એડવોકેટ જયદેવસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા, અજીત પરમાર, હુશેન હેરંજા, પાર્થરાજસિંહ ઝાલા, રવિભાઇ લાલ, જીતભાઇ શાહ, ફૈઝાન સમા, દિપકભાઇ ભાટીયા, અંકિત ભટ્ટ અને ગોંડલના નીતાબેન ખેતીયા રોકાયા હતા.
