12 વર્ષની બાળકીની જાતીય સતામણી કરવાના કેસમાં અપરાધીને પાંચ વર્ષની સજા ફટકારતી કોર્ટ
રામનાથપરામાં બાળકીને ઊભી રાખી 10 રૂપિયા આપી કેળા લાવવાનું કહી બાથ ભરવાનો પ્રયાસ કર્યો’તો
શહેરમાં એકાદ વર્ષ પૂર્વે રામનાથપરામાં 12 વર્ષની બાળકી સાથે જાતીય સતામણી કરવાના કેસમાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની કેદની સજા અને રૂૂ.2000નો દંડ તેમજ ભોગબનનાર બાળકીને રૂૂ.50 હજારનું વળતર ચુકવવા હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ રાજકોટના રામનાથપરા વિસ્તારમાં રહેતા મુળ પશ્ચિમ બંગાળના રહેવાસી દંપતીની આશરે 12 વર્ષ ની સગીરવયની પુત્રી તા.17-10-2023 ના રોજ પોતાના પિતાના ધંધાની જગ્યાએથી પોતાના નાના ભાઈ સાથે સાયકલ લઈને પરત ફરતી હતી ત્યારે જાહેર રસ્તા ઉપર આરોપીએ તેણીની પાછળ આવી બાળકીને ઉભી રાખીને 10 રૂૂપિયા આપી કેળા લાવવાનું કહેતા બાળકીએ તેને ના પાડતા આરોપીએ બાળકીને બથ ભરવાનો પ્રયત્ન કરતા બાળકી ચીસો પાડીને રડવા લાગતા ત્યાંથી ભાગી ગઈ હતી.
આ અંગે ભોગબનનારની માતાની ફરીયાદ નોંધી એ-ડીવીઝન પોલીસે રાજકોટના બોઘાણી શેરીમાં રહેતા મુળ પશ્ચિમ બંગાળના અનવર અલી કોસોમુદ્દીન ઓસ્ટાગરની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે કેસમાં તપાસ અધિકારી દ્વારા આરોપી વિરુદ્ધ પુરતા પુરાવા મળતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું. જે કેસ ચાલવા ઉપર આવતા ફરીયાદ પક્ષે કુલ 9 સાહેદોને તપાસી 14 દસ્તાવેજી પુરાવાઓ રજુ કરી સરકારી વકીલ પ્રશાંત પટેલે રજુઆત કરેલ કે, ભોગબનનાર બાળકીએ તેની જુબાની વખતે આરોપીને ઓળખી બતાવેલ છે અને તે રીતે ફરીયાદીની જુબાનીને સમર્થન આપેલ છે તેમજ બનાવ સમયના સીસીટીવી ફુટેજ પુરાવામાં રજુ રાખેલ છે જેના સાહેદોએ પણ ફરીયાદ પક્ષને સમર્થન આપેલ છે તેથી આરોપીની હાજરી બનાવ સ્થળે સાબીત થાય છે આથી ફરીયાદીની તેમજ ભોગબનનાર બાળકીની જુબાનીને માનવી જોઈએ.
આરોપીનો બાળકી સાથે ગુનાહીત બળ વાપરીને ગુનો કરવાનો ઈરાદો અગાઉથી સ્પષ્ટ થાય છે તથા ફરીયાદી પક્ષ દવારા રજુ થયેલ પુરાવા જોતા આરોપી વિરૂૂધ્ધ કેસ પુરવાર થતો હોય પોકસો જેવા ગંભીર ગુનામાં આરોપીને મહતમ સજા કરવી જોઈએ જેથી સરકારી વકીલની દલીલને ગ્રાહ્ય રાખી સ્પેશીયલ પોકસો કોર્ટના જજ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી આઈ.પી.સી. કલમ-354 મુજબ પાંચ વર્ષની કેદની સજા અને રૂૂ.2000નો દંડ તેમજ ભોગબનનાર બાળકીને રૂૂ.50 હજારનું વળતર ચુકવવા હુકમ કર્યો છે.આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી. પ્રશાંત પટેલ અને સહાયક તરીકે રાજન ટીંબા રોકાયા હતા.