સગીરા પર દુષ્કર્મ આચરનાર મુખ્ય સૂત્રધારને 20 વર્ષ અને મદદગારને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટ
રાજકોટમાં આવેલા ઢેબર રોડ ઉપર રહેતા પરિવારની સગીર પુત્રી ઉપર દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને અદાલતે આરોપીને 20 વર્ષની સજા અને રૂૂ.22 હજારનો દંડ તેમજ મદદગાર શખ્સને 10 વર્ષની સજા અને રૂૂ.5,000 નો દંડ ફટકારી ભોગ બનનાર સગીરાને રૂૂ.7 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં ઢેબર રોડ ઉપર રહેતા પરિવારની સગીર પુત્રીને જામનગર રોડ ઉપર આવેલા બજરંગવાડી વિસ્તારમાં રહેતા વિશાલ ચનાભાઈ પરમાર નામના શખ્સે લલસાવી ફોસલાવી આરોપી હુસેનશાહ રફિકભાઈ શાહમદારના રૂૂમ ખાતે લઈ જઇ દુષ્કર્મ આચર્યું હોવાની ભોગ બનનાર સગીરાના પિતાએ બંને શખ્સ વિરુદ્ધ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જે કેસમાં તપાસ અધિકારી દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ પૂરતો પુરાવો મળતા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટ બાદ કેસ સ્પે. પકસો કોર્ટમાં ચાલવા ઉપર આવતા આરોપીઓ વિરુદ્ધ ભોગ બનનાર સગીરાએ રેકર્ડ પર સમગ્ર ઘટનાની હકીકત જણાવી હતી તેમજ ફરિયાદ પક્ષે તેના ભોગ બનનાર સગીરાના પિતા, મેડિકલ ઓફિસર અને પોલીસ અને સાહેદોને તપાસવામાં આવ્યા હતા.
આ ઉપરાંત સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ સ્પે. પોકસો કોર્ટે બંને આરોપીને તકસીરવાન ઠેરવી મુખ્ય આરોપી વિશાલ પરમારને 20 વર્ષની સજા અને રૂૂ.22 હજારનો તેમજ મદદગારી કરનાર હુસેનશાહ શાહમદારને 10 વર્ષની સખત કેદની સજા અને રૂૂ.5,000 નો દંડ ફટકારતો હુકમ કરી ભોગ બનનાર સગીરાને રૂૂ.7 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
આ કેસમાં સરકાર તરીકે એપીપી મહેશકુમાર જોષી રોકાયા હતા. ઉલ્લેખનીય છે કે મહેશકુમાર જોષીએ છેલ્લા ચાર દિવસમાં પોકસો એક્ટના ગુનામાં સજાના ત્રણ હુકમ કરાવ્યા છે.