સાળાના હત્યારા કૌટુંબિક બનેવીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
શહેરમાં મોરબી રોડ ઉપર આવેલી જય જવાન જય કિશાન સોસાયટી પાસે 25 વારીયામાં ત્રણ વર્ષ પૂર્વે કૌટુંબિક સાળાને છરીના ઘા ઝીંકી હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલા કૌટુંબિક બનેવીને અદાલતે તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ શહેરમાં મોરબી રોડ ઉપર આવેલી જય જવાન જય કિશાન સોસાયટી પાસે 25 વારીયામાં રહેતા આરોપી મહેશ મનસુખભાઈ સદાદીયાના ઘરે કૌટુંબિક સાળા ભાવેશભાઈ કાળુભાઇ ચનીયારા રહેતો હતો. જે મહેશ સદાદીયાને ગમતું ન હોવાથી બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા તેમ છતાં ભાવેશ ચનીયારા તેમના ઘરે રોકાતો હતા. જે અંગે કૌટુંબિક સાળા બનેવી વચ્ચે ચાલતા ઝઘડામાં ગત તા.21-1-2021 ના રોજ મહેશ ચનીયારા સાથે કૌટુંબિક બનેવી મહેશ સદાદીયાએ ઝઘડો કરી છરી વડે હુમલો કરી છરીના ઘા ઝીંકી દીધા હતા.
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ભાવેશ ચનીયારાનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગે મૃતક ભાવેશ ચનીયારાના ભાઈ વિપુલભાઈ ચનીયારાએ હત્યારા મહેશ મનસુખભાઈ સદાદીયા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.
જે કેસમાં તપાસ અધિકારી દ્વારા આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળતા અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટ બાદ કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે સાહેદો, તબીબ અને તપાસ અધિકારીની જુબાની લેવામાં આવી હતી. તેમજ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ બીનલબેન રવેશીયા દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ ન્યાયાધીશ વી.કે. ભટ્ટે હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપી મહેશ સદાદીયાને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ બિનલબેન એ. રવેશીયા રોકાયા હતા.