સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ
રાજકોટમાં રહેતા પરિવારની સગીરાનુ બે વર્ષ પૂર્વે અપરણ કરી લઈ જઈ દુષ્કર્મ આચરવાના ગુનામાં સંડોવાયેલા ધારીના પારડી ગામના શખ્સને અદાલતે પોકસો એકટના ગુનામાં તકસીરવાન ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા અને રૂૂ.3000 નો દંડ તેમજ ભોગ બનનારને રૂૂ.7 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં રહેતા પરિવારની 15 વર્ષ અને 11 માસની સગીરાને ધારી તાલુકાના પાલડી ગામે રહેતા સાગર ચીમનભાઈ ચુડાસમા નામના શખ્સે લાલચાવી ફોસલાવી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ભોગ બનનાર સગીરાના પિતાએ તા.28/11/2022 ના રોજ આરોપી સાગર ચીમનભાઈ ચુડાસમા સામે અપરણ અને દુષ્કર્મ આચાર્યની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે સાગર ચુડાસમાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જેલ હવાલે રહેલા આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળતા તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું ચારશીટ બાદ કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા ભોગ બનનારના પિતા, તબીબ અને પોલીસની જુબાની લેવામાં આવ્યા બાદ બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ સ્પે. પોકસો કોર્ટે સગીરાનુ અપહરણ કરી દુષ્કર્મ આચરવાના પોકસો એકટ હેઠળના ગુનામાં આરોપી સાગર ચીમનભાઈ ચુડાસમાને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા અને રૂૂ.3000 નો દંડ જ્યારે ગુજરાત વિકટીમ કોમ્પેન્સેસન સ્કીમ 2019 અન્વયે ભોગ બનનારને રૂૂ.7 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ મહેશકુમાર એસ. જોશી રોકાયા હતા.