7.250 કિ.ગ્રા. ગાંજા સાથે ઝડપાયેલા આરોપીને 4 વર્ષની સજા ફટકારતી કોર્ટ
જેતપુરના આરબ ટીંબડી ગામે આરોપી પોતાના ઘરે ગાંજાના 9 છોડનું વાવેતર કરતા પકડાઈ ગયો’તો
જેતપુરના આરબ ટીંબડી ગામે ગાંજાનું વાવેતર કરનાર શખ્સને 7.250 કિલો ગ્રામ ગાંજાના જથ્થા સાથે પોલીસે ઝડપી લીધો હતો. જે નારકોટિક્સના ગુનામાં અદાલતે આરોપીને ચાર વર્ષની સજા અને રૂૂ.10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ જેતપુરના આરબ ટીંબડી ગામે રહેતા મુકેશ જમનભાઈ ઠુંમર નામના શખ્સે પોતાના ઘરે ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાની બાકીના આધારે રૂૂરલ એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મુકેશ ઠુંમરના ઘરેથી માદક પદાર્થના નવ છોડ મળી આવ્યા હતા પોલીસે 7.250 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. મુકેશ ઠુંમર સામે નારકોટિક્સનો ગુનો દાખલ કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જે કેસમાં તપાસ અધિકારી દ્વારા આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું.
ચાર્જશીટ બાદ કેસ ચાલવા ઉપર આવતા બન્ને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ સમીર ખીરા દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઇ કોર્ટે આરોપી મુકેશ ઠુંમરને નાર્કોટિક્સના ગુનામાં તકસીરવાન ઠેરવી ચાર વર્ષની સજા અને રૂૂ.10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.