પાટણવાવ પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર અપરાધીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ
પાટણવાવ પંથકમાં શ્રમિક પરિવારની 14 વર્ષની સગીરાનુ અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં સંડોવાયેલા વડોદરાના શખ્સને ધોરાજી કોર્ટે 20 વર્ષની સજા અને રૂ. 10000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની હકિકત મુજબ પાટણવાવ પંથકમાં મજુરી અર્થે આવેલા પરિવારની સગીરાને વડોદરાનો કમલેશ ઉર્ફે લાલો જીણાભાઇ ફુલમાળી નામના શખ્સે મંત્રેલી જલેબી ખવડાવી દીધી હતી. બાદમા સગીરાને સુદબુધ નહીં રહેતા સગીરા રાત્રીના સમયે કુદરતી હાજતે જવા ઉઠી હતી ત્યારે કમલેશ ઉર્ફે લાલો ફુલમાળી નામના શખ્સે સગીરાને ઢસડીને અપહરણ કર્યુ હોવાનુ સગીરાના પરિવારે પાટણવાવ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી અને ભોગ બનનાર સગીરાને પોરબંદર પંથકમાંથી ઝડપી લીધા હતા અને આરોપી કમલેશ લાલા ફુલમાળી સામે પોકસો એકટની કલમનો ઉમેરો કરી જેલ હવાલે કર્યો હતો.
જે કેસમાં આરોપી વિરૂધ્ધ પુરતો પુરાવો મળતા તપાસ અધિકારી દ્વારા ધોરાજી સેસન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવ્યુ હતુ. ચાર્જશીટ બાદ કેસ ધોરાજી સેસન્સ કોર્ટમાં ચાલવા પર આવતા બંને પક્ષની રજુઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલોને ધ્યાને લઇ ધોરાજીના એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ અલીહુસેન મોહિબુલ્લા શેખએ આરોપી કમલેશ ઉર્ફે લાલા ફુલમાળીને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સજા અને રૂ. 10000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.આ કેસમાં સરકાર પક્ષે એડી. પબ્લીક પ્રોસિકયુટર કાર્તિકેય પારેખ રોકાયા હતા.