ઉચાપતની રકમ ભરપાઈ કરવા છતાં વર્તણૂક ધ્યાનમાં રાખી તબીબની જામીન અરજી ફગાવતી કોર્ટ
બોગસ મેડિકલ સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજો ઉભા કરી વીમા કંપનીઓ સાથે રૂૂ. 38 લાખની ઉચાપત કરવાના ગુનામાં પકડાયેલા ફીઝિયોથેરાપિસ્ટ ડો. અંકિત કાથરાણીએ ઉચાપતની રકમ પરત ભરપાઈ કરી દીધાના કિસ્સામાં ચાર્જશીટ બાદ દાખલ કરેલી જામીન અરજી વર્તણુક ધ્યાનમાં લઈને નામંજુર કરવામાં આવી છે.
આ અંગેની હકીકત મુજબ, દશક કરતા વધારે સમયથી ફીઝયોથેરાપિસ્ટ તરીકે પ્રેકટીસ કરતા ડો. અંકિત કાથરાણીએ ખોટી રીતે વીમાની રકમ મેળવવા માટે સહયોગ ઈમેજિંગ સેન્ટરના પુર્વ કર્મચારી સાથે મિલીભગત કરી ખોટો એમ.આર.આઈ. રિપોર્ટ મેળવેલ હતો. આ રિપોર્ટના આધારે આઈ.સી.આઈ.સી.આઈ. ઈન્સ્યોરન્સ કું. પાસેથી રૂૂા.16/- લાખ મેળવેલ. ત્યારબાદ આ રીતે સહેલાઈથી મળી ગયેલ રકમથી લલચાઈ અંકિત કાથરાણીએ ફરીથી ડુપ્લકેટ રીપોર્ટ મેળવી એચ.ડી.એફ.સી. અર્ગો ઈન્સ્યોરન્સ કં. પાસેથી રૂૂા.22/- લાખની રકમ મેળવેલ. આ કૌભાંડ ઈન્સ્યોરન્સ કં.ની જાણમાં આવતા ફોજદારી ફરીયાદ દાખલ કરવામાં આવતા ડો. અંકિત કાથરાણી, ખાનગી હોસ્પિટલ કર્મચારી સાગર પાનસુરીયા, હિમાંશુ ગોપાલભાઈ અને હિતેશ રવૈયા વગેરેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી બાદ કોર્ટની સુચનાથી જેલ હવાલે કર્યા હતા. જેની પોલીસ તપાસ બાદ ચાર્જશીટ રજુ થતા આરોપી ડો. અંકિત કાથરાણીએ વીમા કં.ને ઉચાપતની રકમ કંપનીને પરત ચુકવી દીધી હોવાનું જણાવી રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવા અરજી કરી હતી.
જે અરજી અદાલતમાં ચાલવા ઉપર આવતા અધિક સેશન્સ જજ સી.જે. પટેલે આરોપી અંકિત કાથરાણીની ચાર્જશીટ બાદની જામીન અરજી ઉચાપતના નાણા પરત ચુકવી આપેલ હોવા છતા રદ કરી છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતા.