કોર્ટના નિવૃત કર્મચારીને ડીજીટલ એરેસ્ટ કરી નાણા પડાવનાર બેલડીની જામીન અરજી ફગાવતી કોર્ટ
બંને શખ્સે વોટસએપ કોલ કરી દીલ્હી ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી ખોટા કેસમાં ફિટ કરવાની ધમકી આપી 88.50 લાખ પડાવ્યા’તા
રાજકોટમાં કોર્ટના નિવૃત કર્મચારીને વોટસએપ કોલ કરી દિલ્હી ક્રાઈમ બ્રાંચની ખોટી ઓળખ આપી મની લોન્ડ્રીંગ અને ડ્રગ્સના મોટા જથ્થાના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી ડીજીટલ એરેસ્ટ કરી રૂૂા.88,50,020 ની છેતરપિંડી આચરનાર આરોપીઓની રેગ્યુલર જામીન અરજી કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવી છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં રહેતા અને કોર્ટના નિવૃત કર્મચારી દિનેશભાઈ દેલવાડીયાને આરોપી મોસીન સલીમભાઈ શેખ અને બ્રિજેશ પટેલ (બંન્ને રહે. ભાવનગર)એ વોટસએપ કોલ કરી દિલ્હી ક્રાઈમ બ્રાંચની ખોટી ઓળખ આપી મની લોન્ડ્રીંગ અને ડ્રગ્સના મોટા જથ્થાના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી ડીજીટલ એરેસ્ટ કરી બળજબરીથી આરટીજીએસથી ટ્રાન્ઝેકશન કરાવી કુલ રૂૂા.88,50,020 મેળવી લઈ છેતરપિંડી આચરી હતી. જેથી ફરીયાદી દિનેશભાઈ દેલવાડીયાએ રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે બંન્ને આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.
જેલ હવાલે રહેલા આરોપીઓએ જામીન પર મુકત થવા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જે અરજી ચાલી જતા સરકાર તરફે સરકારી વકીલ સમીર ખીરાએ દલીલ કરેલ કે, ફરીયાદી રાજકોટની સેશન્સ કોર્ટના નિવૃત કર્મચારી છે. પોતાની આખી જીંદગીની મહેનતના બચતના નાણાં આરોપીઓએ ફરીયાદીને ડીજીટલ એરેસ્ટ કરી ઓળવી લીધા હતા.
આરોપીઓએ પોતાની ઓળખ દિલ્હી ક્રાઈમ બ્રાંચના પોલીસ અધિકારી તરીકેની આપી ધમકાવી માતબર રકમની છેતરપિંડી કરી છે. હાલમા ડીજીટલ એરેસ્ટના બનાવો વધુ બનતા જાય છે. સરકાર પણ આવા બનાવો ન બને તે માટે ચિંતિત છે, જો આરોપીઓને જામીન મળશે તો ફરી નવો કોઈ શિકાર ગોતશે સહિતની સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈ એડી સેશન્સ જજ ડી.એસ. સિંઘે આરોપીઓની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ સમીર એમ. ખીરા રોકાયા હતા.