અમદાવાદ એરપોર્ટમાંથી હાઇબ્રિડ ગાંજા સાથે દંપતી ઝડપાયું
બેંગકોકથી અમદાવાદ આવેલી દંપતીની ટ્રોલી બેગમાંથી 4 કિલો હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ચાર કરોડનો આ મુદ્દામાલ કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. યુવતી દ્વારા અમદાવાદ એરપોર્ટ પર બે ગુમ થયો હોવા અંગેની ફરિયાદ કરી હતી. બાદમાં બેગ મળી હોવા અંગેની યુવતીને જાણ કરી. જોકે, કસ્ટમ વિભાગે બોલાવ્યા બાદ પેસેન્જર યુવતી હાજર ન થતા CID ક્રાઈમની મદદથી તેની અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં સામાનનો તપાસ કરતા હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ થોડા દિવસ પહેલા અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર એર એશિયાની ફ્લાઈટમાં પંજાબના જલંધરની નિતેશ્ર્વરી ગીલ અને તેના પતિ વિલીયમ 13મી ઓગસ્ટના રોજ બેંગકોકથી અમદાવાદ આવ્યા હતા પરંતુ, તેની બે બેગ આવી નહીં હોવાથી મિસ બેગેજનું ફોર્મ ભરીને બહાર નીકળી ગઈ હતી. બે દિવસ પછી એક બેગ મળી આવી હતી, જેની કસ્ટમ દ્વારા તપાસ કરવામાં આવી હતી પરંતુ, કશું વાંધાજનક મળ્યું ન હતું. ત્યારબાદ બીજા બે દિવસ પછી બાકી રહી ગયેલી હેન્ડબેગ મળી આવી હતી.
કસ્ટમ વિભાગના એડિશનલ કમિશનર રામ બિશ્નોઇ સહિતના કસ્ટમના અધિકારીઓએ હેન્ડબેગની તપાસ કરતા બેગમાંથી 4 કિલોગ્રામના આઠ પેકેટ મળી આવ્યા હતા જેમાં ગાંજો છુપાવ્યો હતો. કસ્ટમ વિભાગે એશિયાના સ્ટાફની મદદથી યુવતીનો સંપર્ક કરીને બેગ લઈ જવા માટે જાણ કરી હતી. જોકે, યુવતીએ બેગ ઘરે મોકલાવી દેવા અને પોતે જલંધર હોવાનું જણાવીને કસ્ટમ સમક્ષ આવી ન હતી. તેણે જલંધરના સાયમન પીટર નામના ડ્રાઇવરને ઓથોરિટી લેટર આપીને બેગ છોડાવી લેવા માટે જણાવ્યું હતું પરંતુ, તેણે બેગ છોડાવવાની ના પાડી હતી.
જોકે, કસ્ટમ વિભાગ મુજબ એર એશિયાના સ્ટાફે યુવતી સાથે વાત કરતા પોતે જલંધર હોવાનું જણાવ્યું હતું. જેથી, કસ્ટમ વિભાગને શંકા ગઈ હતી કે યુવતી સમક્ષ આવતી નથી એટલે જલંધરની બદલે અમદાવાદમાં જ હોવી જોઈએ. જેના આધારે તપાસ કરતા DRI ની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને તેને જાણ થઈ હતી કે, યુવતી કાલુપુર રેલવે સ્ટેશન પર છે અને કસ્ટમના અધિકારીઓએ CID ક્રાઇમની મદદ લઈને યુવતીને પકડીને એરપોર્ટ લઈ ગયા હતા. જ્યાં યુવતીની હાજરીમાં બેગનું પંચનામુ કરીને ગાંજા સાથે તેની અટકાયત કરીને સમગ્ર કેસની તપાસ CID ક્રાઇમના નાર્કોટિક સેલને સોંપી દીધી હતી પ્રાથમીક તપાસમા દુબઇ રહેતા એક વ્યકિતનાં કહેવાથી બેંગકોકથી આ બેગ જેમા ગાંજો હતો તે લાવી હતી અને આ બેગ બેંગ્લોર પહોચાડવાની હોવાનુ ખુલ્યુ છે.