ગોંડલ યાર્ડમાં ગેટ રિનોવેશન, સોલાર પેનલના કામમાં ભ્રષ્ટાચાર
ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન તથા ડીરેકટરો ને પત્ર પાઠવી વિવાદાસ્પદ નિર્ણયો સાથે ખેડૂત સંસ્થામાં ચાલતી ભ્રષ્ટ કામગીરી અંગે પ્રશ્ર્નો ઉઠાવી પાટીદાર સામાજિક કાર્યકર પીયુષ રાદડિયાએ યાર્ડમાં ચાલતી કામગીરી જાહેર જનતા સમક્ષ મુકવા માંગ કરવામાં આવી છે. વધુમાં યાર્ડ માં વિકાસ નાં રુપકડા નામે ભ્રષ્ટાચાર આચરાયાનો આક્ષેપ કર્યો છે.
સામાજીક કાર્યકર પિયુષ રાદડિયાએ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયા તેમજ ડીરેકટરોને પત્ર પાઠવી ખેડૂત સંસ્થામાં ચાલતી કામગીરી અંગે મૌન રહેવાને બદલે જાહેર જનતા સમક્ષ મુકવા માંગ કરી છે. પત્રમાં વધુ જણાવ્યું છે કે માર્કેટ યાર્ડમાં પ્રવેશતો મુખ્ય ગેઈટ સારી પરિસ્થિતિમાં હોવાં છતાં પાડી નવો બનાવવા પાછળનું કારણ શું ? કરોડો રૂૂપિયાના ખર્ચે સોલાર પેનલ લગાડવામાં આવી છે વીજ બીલ રાહત કે બચત થાય છે તે અંગે ખેડૂતોને ક્યારેય માહીતગાર કરાયા નથી,યાર્ડ માં ચાલતા બાંધકામ સમારકામ અંગેના ટેન્ડરો કોને આપવામાં આવ્યાં ? ખેડૂત સંસ્થા માટે માર્કેટ યાર્ડ દ્વારા બે વખત જમીન ખરીદવામાં આવી પ્રથમ વખત અને બીજી વખતના તફાવત ભાવો અને કોની પાસેથી જમીન ખરીદ કરવામાં આવી તેમના નામ તેમજ ઠરાવો ઉપરાંત માર્કેટ યાર્ડની આડમાં GST કૌભાંડ ચલાવી રહેલ વ્યકિતઓ સામે પગલાં લેવાયેલા છે કે કેમ ?
તેવા અનેક આક્ષેપો સાથે મુદાસર વિગતો ખેડૂતોના હિતમાં તેમજ જનતા સમક્ષ ખુલાસો કરવા પત્ર માં જણાવી પિયુષ રાદડિયાએ ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા પોતાને વિકાસ પુરુષ બતાવવા કરી રહેલા મિથ્યા પ્રયાસો ની ટીક્કા કરી હતી.
