નિર્માણાધીન માલાબાર શોરૂમના ગોડાઉનના તાળાં તોડી 1.03 લાખના કોપર વાયરની ચોરી
મોટામવા પાસે આવેલા હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતા મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડના શોરૂમના મેનેજર વિજયભાઇ સંતોષભાઇ બુલચંદાણીએ પોતાની ફરીયાદમાં જણાવ્યુ હતું કે પોતે છેલ્લા 9 વર્ષથી યાજ્ઞિક રોડ પર ડી. એચ. કોલેજની બાજુમાં આવેલા મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડના શોરૂમમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગઇ તા. 7-11 ના રોજ સવારે પોતાના ઘરે હતા ત્યારે યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણની આશ્રમની બાજુમાં નવા બની રહેલા મલાબાર ગોલ્ડ શોરૂમના સિકયુરીટી ગાર્ડ અમરભાઇ સોલંકીએ ફોન કરી જણાવ્યુ હતુ કે નવા બની રહેલા શોરૂમના ગ્રાઉન્ડ ફલોર પર આવેલા અલગ અલગ ગોડાઉનના શટરનુ તાળુ તુટેલુ છે.
ત્યારબાદ મેનેજર વિજયભાઇ અને એકાઉન્ટન્ટ અક્ષયભાઇ બંને ત્યા જઇને જોતા શટરનુ તાળુ તુટેલી હાલતમાં હતું અને રાત્રીના ફરજ બજાવતા સિકયુરીટી ગાર્ડ આશિષભાઇ વાઢેરને પુછતા તેમણે જણાવ્યુ હતુ કે રાત્રીના ર વાગ્યા સુધી પોતે હતા ત્યારે અહીંયા કોઇ તાળુ તુટેલી હાલતમાં નહોતુ. ત્યારબાદ પ્રોજેકટ ઇન્ચાર્જને બનાવની જાણ કરી શોરૂમ માટે ખરીદ કરવા વાયર તેમજ સામાનના સ્ટોકની વેરીફીકેશન કરતા અલગ અલગ કંપનીના કોપર વાયર રૂ. 1.03 લાખના થાય જેની ચોરી થયાનુ જાણવા મળ્યુ હતુ. આ મામલે એ ડીવીઝન પોલીસના પીએસઆઇ બી. આર. સાવલીયા અને સ્ટાફે સીસીટીવી ફુટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.