ધોરાજીના ઝાંઝમેરમાં સહકારી મંડળીના પ્રમુખ મંત્રી અને ભાજપ અગ્રણી જુગાર રમતા ઝડપાયા
ધોરાજીના ઝાંઝમેરમાં જુગાર રમતા સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી અને ભાજપના આગેવાનો સહિત છની ધરપકડ કરવામાં આવી છે.
ઝાંઝમેર ગામમાં ભીમ અગિયારસના મુહૂર્તે જુગાર રમતી ટોળી ઝડપાતા હડકંપ મચી ગયો છે. પકડાયેલા છ આરોપીઓમાં ગામની સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી, સભ્ય તેમજ ભાજપના આગેવાનોનો પણ સમાવેશ થાય છે. આરોપીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે, જ્યારે આ કેસને લઈ સહકારી વિભાગમાં પણ શિસ્તભંગના પગલાંની માંગ ઉઠી છે.ભીમ અગિયારસના રોજ ઝાંઝમેર ગામના સનાળા રોડ સીમ વિસ્તારમાં આવેલા વાડામાં રમી રહેલા જુગારના અખાડા પર ધોરાજી પોલીસ દ્વારા રેઇડ કરવામાં આવી હતી. રેઇડ દરમિયાન પોલીસને કુલ ₹33,150 રોકડ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
આ દરોડામાં જુગાર રમતા સૂર્યકાંત ઉર્ફે સુરેશ બાબુભાઈ વાછાણી (વાડી માલિક) અનોપસિંહ ઉર્ફે અનિલ ભીખુભાઈ ચુડાસમા સહકારી મંડળીના (પ્રમુખ) ધીરુભાઈ બાબુભાઈ આલોદરીયા (મંત્રી) દામજી રામજી વાછાણી (સભ્ય) કૃષ્ણકાંત ઉર્ફે કેતનભાઇ વલ્લભભાઈ પાદરીયા, દામજીભાઈ રામજીભાઈ ઘેટિયા જુગારના દરોડા બાદ ગામના જાગૃત નાગરિક ભાવિન ઘેટિયા દ્વારા ધોરાજી પીઆઇ અને જિલ્લા રજીસ્ટ્રારને લેખિત અરજી આપી છે. તેમાં જણાવાયું છે કે, સહકારી મંડળીના હોદ્દેદારો સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ થયા બાદ તેમને સહકારી કાયદાની જોગવાઈઓ મુજબ હોદ્દેથી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવી જોઈએ.