વિવાદાસ્પદ યુટ્યુબર બન્ની ગજેરાની પાસામાં અટકાયત
એટ્રોસિટી, ખંડણી માગવી અને બદનક્ષીકારક વીડિયો બનાવી વાઇરલ કરવાના અલગ અલગ ગુન્હા આચરનાર બન્ની સામે પાસા હેઠળ કાર્યવાહી
સોશિયલ મીડિયા પર વિવિધ મુદ્દાઓ પર વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરનાર વિવાદાસ્પદ યુટ્યુબર ભાવિન ઉર્ફે બન્ની ગજેરા સામે નોધાયેલ અલગ અલગ ગુનાને ધ્યાને લઇ પોલીસે કરેલ દરખાસ્તને આધારે જીલ્લા કલેકટર દ્વારા બન્ની ગજેરા સામે પાસાની દરખાસ્ત મંજુર કરતા તેને વડોદરા જેલ હવાલે કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયાના માધ્યમનો ઉપયોગ કરીને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા, વિશાલ ખૂંટ સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ વાણીવિલાસ કર્યો હતો અને અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. ખાસ કરીને, બન્ની ગજેરાએ વિશાલ ખુંટ તેમજ વિશાલ ખૂંટના મિત્રની પત્નીને બદનામ કરવા બાબતે ટિપ્પણીઓ કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી તેમજ બન્ની ગજેરા પોતાના સોશિયલ મીડિયાના વીડિયો અને ટિપ્પણીઓને કારણે વિવાદોમાં રહી ચૂક્યો છે. તેણે અગાઉ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના તેમના પુત્ર ગણેશ જાડેજા સહિતના વિશે પણ ટિપ્પણીઓ કરી હતી, જેના કારણે પણ વિવાદ સર્જાયો હતો.
બન્ની ગજેરા વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન સહિત રાજકોટ જિલ્લાના અન્ય બે પોલીસ સ્ટેશન, એમ કુલ ત્રણ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ જુદી જુદી ફરિયાદો નોંધવામાં આવી છે. બન્ની ગજેરા સામે ખંડણી સહિતની ગંભીર કલમો અંતર્ગત ગુના નોંધાઈ ચૂક્યા છે. તેની સામે નોંધાયેલા અન્ય કેસો અંગે પણ તપાસ કરવામાં આવી હતી. બન્ની ગજેરા સામે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં બે ગંભીર ફરિયાદો નોંધાઈ છે, જેમાં એક છેતરપિંડીની અને બીજી 11 લાખની ખંડણી માંગવાની ધમકીની ફરિયાદનો સમાવેશ થાય છે.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહ દ્વારા જીલ્લા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ ગુન્હાકીય પ્રવૃતિ કરતા અસામાજિક ગુંડા તત્વો વિરૂૂધ્ધ યોગ્ય કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવા ગુજરાત અસામાજીક પ્રવૃતિઓ પ્રતિબંધક અધિનિયમ-1985 પાસા ના કાયદા હેઠળ બન્ની ગજેરા સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી રાજકોટ જીલ્લા કલેકટરને મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ ડો. ઓમપ્રકાશ દ્રારા પાસા દરખાસ્તને મંજુર કરી જેતપુરના મોટા ગુંદાળાના ભાવિન ઉર્ફે બન્ની ગોરધન ગજેરાને પાસા હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા હુકમ કરતા બન્નીને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પી.આઈ વી.વી.ઓડેદરા સાથે પીએસઆઈ એચ.સી.ગોહીલ તેમજ સ્ટાફના બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, અમિતસિંહ જાડેજા, અનિલભાઇ બળકોદીયા, દિવ્યેશભાઇ સુવા,નિલેશભાઇ ડાંગર, રાજુભાઇ શામળા, હરેશભાઇ પરમાર, રસીકભાઇ જમોડ, ઘનશ્યામસિંહ જાડેજા,ભાવેશભાઇ મકવાણા, અબ્દુલભાઇ શેખ સહીતના સ્ટાફે કામગીરી કરી હતી.