સગીર આરોપીના વાળ ખેંચનારનો વીડિયો ઉતારનાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ
સગીરના દાદીની ફરિયાદને આધારે પોલીસમેન પ્રદિપ ડાંગર અને સફાઇ કર્મચારી શૈલેષ ચૌહાણ સામે અંતે ગુનો નોંધાયો
ગાધીગ્રામ પોલીસ મથકમાં સગીર આરોપી સાથે બર્બરતા આચરી વાળ ખેંચવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાએ આ મામલે તાત્કાલિક અસરથી ગાંધીગ્રામ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ પ્રદિપ ડાંગરની હેડ કવાર્ટર અને સહદેવસિંહ જાડેજાની ટ્રાફિક શાખામાં બદલી કરી આ મમલાની તપાસ એસીપીની સોપ્યા બાદ આ પ્રકરણમાં કોન્સ્ટેબલ પ્રદિપ ડાંગર અને સફાઈ કામદાર શૈલેશ ચૌહાણ સામે ગુનો નોધાયો હતો. ફરિયાદ નોંધાયા બાદ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાએ કોન્સ્ટેબલ પ્રદિપ ડાંગરને સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
રૈયા રોડ પરના કનૈયા ચોક પાસે ગઈ તા.31મીએ એક યુવક પર પાંચ શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલો એટલો ઝનૂનથી કરવામાં આવ્યો હતો કે યુવકના શરીરમાં છરી ખૂંપી ગઈ હતી. જે તબીબોએ બહાર કાઢી હતી. ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી એક સગીર સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.
જેમાંથી સગીર આરોપીના ગાંધીગ્રામ પોલીસ મથકમાં સફાઈ કામદાર તરીકે રખાયેલો શૈલેષ ચૌહાણ હાથેથી વાળ ખેંચતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. વાળ જોરથી ખેંચી મૂળમાંથી ઉખેડી શૈલેષ ચૌહાણ હસતા હસતા આ વાળ નજીકની ડસ્ટબીનમાં નાખતો પણ વિડિયોમાં દેખાયો હતો. આ મામલે ભોગ બનનાર સગીર આરોપીના રૈયારોડના શીવપરામાં રહેતા નજુબેન સતારભાઈ કાલાવડીયાએ ગાંધીગ્રામ પોલીસમાં શૈલેષ ચૌહાણ, પોલીસમેન પ્રદીપ ડાંગર સામે ફરિયાદ નોંધાવી છે.
જેમાં જણાવ્યું હતું કે ગત.તા.31/8 ના કનૈયા ચોક પાસે મારા પૌત્ર તથા અન્ય ચાર પાંચ મિત્રોને કોઈ તેજસ ડાંગર નામના છોકરા સાથે માથાકૂટ થઈ હતી.જેમાં તેજસને છરી વાગી ગઈ હોવાનું જાણવા મળેલ હતું.દરમ્યાન તે રાત્રીના મારો પૌત્ર થરે હતો ત્યારે પોલીસ ઘરે તપાસમાં આવેલ અને પૌત્રની પુછતાછ કરી પોલીસ સ્ટેશનને લઈ જવાની જાણ કરી હતી.બાદ ઉપરોકત બનાવ અંગે પોલીસે પૌત્ર સહિત અન્ય મિત્રો સામે કાર્યવાહી કરી કોર્ટમાં રજુ કર્યા બાદ પૌત્ર સહિત અન્ય મિત્રોને ગોંડલ રોડ પરની બાળ જેલમાં મોકલેલ જયાંથી પૌત્ર સત્તર દિવસ બાદ જામીન પર છુટેલ હતો.
વધુમાં જણાવ્યું હતું કે બે દિવસ પૂર્વે મારા લત્તામાં રહેતા છોકરાએ મને તેના ફોનમાં વિડીયો બતાવ્યો જેમાં શૈલેષ ચૌહાણ નામનો માણસ પૌત્રને રૂૂમમાં નીચે બેસાડી માથાના વાળ ખેંચી ડસ્ટબીનમાં નાખે છે.
પૌત્ર હાજીજી કરતો હોવાનો પણ વિડીયોમાં અવાજ સંભળાતો હોવા છતાં શૈલેષ પૌત્ર પર કુરતા દાખવવામાં રહેમ રાખતો નથી. જયારે પૌત્રને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં લઈ ગયા ત્યારનો આ વિડીયો છે. બાદ પૌત્રએ જણાવ્યું હતું કે શૈલેષ ચૌહાણ મારા વાળ ખેંચી ડસ્ટબીનમાં નાખતો હતો. ત્યારે તેની બાજુમાં પોલીસમેન પ્રદીપ ડાંગર બેસીને વિડીયો ઉતારતો હતો.તેણે શૈલેષને વાળ ખેંચવાની ના પાડેલ નહીં આ મામલે ગુનો નોંધાયા બાદ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાએ કોન્સ્ટેબલ પ્રદિપ ડાંગરને સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગરે કરેલી એક ભૂલે રાજકોટ પોલીસનું નાક કપાવ્યું
રૈયા રોડ યુવક હુમલાના બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી એક સગીર સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી સગીર આરોપીના ગાંધીગ્રામ પોલીસ મથકે લાવવામાં આવ્યા બાદ આરોપીને કાયદાના પાઠ ભણાવતી વખતે વિડીયો શુટિંગના શોખીન એવા કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગરે સફાઈ કામદાર તરીકે રખાયેલો શૈલેષ ચૌહાણ પાસે હાથેથી સગીરના વાળ ખેચાવ્યા હતા તે વખતે બાજુમાં પડેલા મોબાઈલમાં કોન્સ્ટેબલ પ્રદીપે તેનું વિડીયો શુટિંગ કર્યું હતું પરતું ભૂલથી પોતાના મોબાઈલના બદલે સગીરા આરોપીના મોબાઈલમાં કરેલું વીડિયો શુટિંગ 1 મહિના બાદ જાહેર થયું જયારે આરોપી પોલીસ મથકેથી પોતાનો મોબાઈલ છોડાવી ગયો ત્યાર બાદ આ વિડીયો વાયરલ થયો હતો અને સમગ્ર મામલો બહાર આવ્યો હતો. અને આ વીડિયોને કારણે ઉહાપોહ મચી ગયો.