જૂનાગઢમાં માઉન્ટેન શાખામાં કોન્સ્ટેબલ પીધેલી હાલતમાં ધમાલ કરતો ઝડપાયો
પોલીસે ઝડપી લોકઅપમાં ધકેલી દીધો
શહેરમાં બીલખા રોડ પર આવેલ પોલીસ ટ્રેનીંગ સેન્ટર સ્થિત માઉન્ટેડ શાખામાં કોન્સ્ટેબલને પીધેલી હાલતમાં તોફાન કરતા એ ડિવિઝન પોલીસે ઝડપી લઇ લોકઅપમાં ધકેલી દીધા હતા.
બીલખા રોડ પરના પોલીસ ટ્રેનીંગ સેન્ટર અંદર આવેલ માઉન્ટેડ શાખામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ બગીયા માઉન્ટેડ શાખામાં કેફી પીણું પીધેલી હાલતમાં તોફાન કરતા હોવાની જાણ જૂનાગઢ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂૂમ તરફથી કરવામાં આવતા એ ડિવિઝનના પીઆઈ આર. કે. પરમારની સૂચનાથી એએસઆઈ ભદ્રેશ રવૈયા સહિતની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી.
માઉન્ટેડ શાખાના ગ્રાઉન્ડ પરથી મૂળ માણાવદર તાલુકાના સરાડીયા ગામના હાલ જૂનાગઢમાં એફએમ પોલીસ લાઈનમાં રહેતા 40 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ગોવિંદભાઈ બગીયા કેફી પીણું પીધેલી હાલતમાં લથડીયા ખાતા મળી આવતા તેની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ કર્મી માઉન્ટેડ શાખામાંથી પીધેલી હાલતમાં પકડાતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી.
