ગેસના ટેન્કરમાં છુપાવી લવાતો રૂા. 52.80 લાખનો દારૂ પકડાયો
રાજસ્થાનના સપ્લાયરે હરિયાણાથી 10560 બોટલ દારૂ ભરેલું ટેન્કર રાજકોટ મોકલ્યું પણ બામણબોર પાસે જ ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધું, ચાલકની ધરપકડ
રાજકોટ અમદાવાદ હાઈવે પર હિરાસર એરપોર્ટ પાસેથી ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે હરિયાણાથી ઈન્ડિયન ગેસના ટેન્કરમાં આવતો રૂા. 52.80 લાખની કિંમતનો 10,560 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડી ચાલકની ધરપકડ કરી હતી. આ દરોડામાં પોલીસે ટેન્કર સહિત રૂા. 82.85 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રાજસ્થાનના સપ્લાયરે હરિયાણાથી દારૂ ભરેલું આ ટેન્કર રાજકોટના બુટલેગરને મોકલ્યું હતું. અને આ દારૂ કટીંગ થાય તે પૂર્વે ક્રાઈમ બ્રાંચે બામણબોર પાસેથી ઝડપી પાડ્યો હતો.
મળતી વિગતો મુજબ રાજકોટ તરફ એક દારૂ ભરેલુ ટેન્કર આવતું હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચના મહાવીરસિંહ ચુડાસમાને મળી હતી. જેના આધારે પીએસઆઈ એએન પરમાર અને તેમની ટીમે વોચ ગોઠવી હતી. અને રાજકોટ-અમદાવાદ હાઈવે પર હિરાસર એરપોર્ટ નજીક બામણબોર પાસે રામદેવ હોટેલ નજીકથી ટેન્કર નંબર યુ.પી.17 એટી 2999ની તલાશી લેતા તેમાંથી ચોરખાનું બનાવી છુપાવેલો 10,560 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. રૂા. 52.80 લાખની કિંમતના દારૂ ભરેલા ઈન્ડિયન ગેસના ટેન્કર સાથે ચાલક મુળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના જીયોણીઓની વસ્તીમાં રહેતા મહેન્દ્રકુમાર મનસુખરામ રામુરામજી સારંગની ધરપકડ કરી રૂા. 82.85 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પુછપરછમાં જાણવા મળ્યું કે, રાજસ્થાનના સપ્લાયરે આ ઈન્ડિયન ગેસના ટેન્કરમાં હરિયાણાથી દારૂનો જથ્થો મોકલ્યો હતો અને આગરા હાઈવે પર મહેન્દ્રકુમારને ચાવી આપી રાજકોટ તરફ આ ટેન્કર રવાના કરવામાં આવ્યું હતું.
અને એક ફોન નંબર ધારક તેના સંપર્કમાં હતો અને રાજકોટમાં કઈ જગ્યાએ આ દારૂનું કટીંગ કરી તેની માહિતી આપતો હતો. આ ટેન્કરમાંથી દારૂનું કટીંગ થાય તે પૂર્વે જ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો હતો. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા અને ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ભરત બસિયાની સુચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રેાંચના પીઆઈ એમ.આર. ગોંડલિયા તથા પીએસઆઈ એ.એન. પરમાર અને તેમની ટીમે કામગીરી કરી હતી.
ગેસ કટરથી કાપી દારૂનો જથ્થો બહાર કઢાયો : ફાયરબ્રિગેડની મદદ લેવાઈ
બામણબોર પાસેથી 10,560 બોટલ દારૂ ભરેલી ગેસનું ટેન્કર ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા બાદ આ દારૂનો જથ્થો કબજે કરવા માટે ટેન્કરના સીલ કરેલા દરવાજાને ગેસ કટરથી કાપવામાં આવ્યું હતું. આ દારૂનો જથ્થો બહાર કાઢવા માટે ગેસ કટરનો ઉપયોગ કરાયો હોય ત્યારે અંદર દારૂની બોટલ કે જેમાં આલ્કોહોલ હોય અમુક દારૂની બોટલો ફુટી ગઈ હોય જેથી દારૂ ટેન્કરમાં ઢોરાઈ ગયો હોય અને ગેસ કટરના ઉપયોગ વખતે આગ લાગવાની સંભાવના હોય જેથી ક્રાઈમ બ્રાંચે રાજકોટ ફાયર બ્રિગેડની મદદ લીધી હતી અને ફાયર ફાઈટરોને પણ આ કામગીરી વખતે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતાં.