પાટડીમાં પરિણીતાને બ્લેકમેેઇલ કરી બે શખ્સોએ 7.92 લાખના દાગીના-રોકડ પડાવી લેતા ફરીયાદ
પાટડી તાલુકાના સેડલા ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બે શખ્સોએ એક પરિણીતાને બ્લેકમેઇલ કરી મોટી રકમ પડાવી લીધી છે. પોલીસ ફરિયાદ મુજબ, મહંમદખાન હુસેનખાન મલેક અને રસીદખાન ઉર્ફે મુન્નો મચ્છર નામના બે શખ્સોએ એક પરિણીતાના અશ્ર્લીલ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પરિણીતા પાસેથી કુલ રૂૂ. 7.92 લાખની મતા પડાવી લીધી હતી, જેમાં 14 તોલા સોનાના દાગીના (કિંમત રૂૂ. 7 લાખ), 950 ગ્રામ ચાંદીના ઘરેણા (કિંમત રૂૂ. 47,500) અને રોકડા રૂૂ. 1.45 લાખનો સમાવેશ થાય છે.
ફરિયાદ અનુસાર, દોઢ વર્ષ પહેલા મહંમદખાન સાથે પરિચય થયા બાદ તેણે પરિણીતાના કેટલાક ફોટા અને વીડિયો બનાવી લીધા હતા. ત્યારબાદ તેણે અને તેના સાથીએ આ સામગ્રી વાયરલ કરવાની અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર પૈસા અને દાગીના પડાવવાનું શરૂૂ કર્યું હતું. જેમાં ચાંદીના ઘરેણા 950 ગ્રામ જેમાં 500 ગ્રામ ચાંદીનું બેડીયું અને 450 ગ્રામ ચાંદીનો કંદોરો મળી કુલ કિંમત રૂૂ. 47,500 અને રોકડા રૂૂ. 1.45 લાખ મળી કુલ રૂૂ. 7,92,500 પડાવ્યા બાદ પણ આ બંને શખશોએ વધુ રૂૂ. 15 લાખ માંગણી કરી હતી. જે બાબતે પરિણીતાએ પોતાના પતિ અને પરિવારજનો સાથે મળીને આ બંને શખશો વિરુદ્ધ બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા બજાણા પોલીસે બંને વિરુદ્ધ ગુન્હો દાખલ કરી એમને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.