થાનની ખાનગી હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભપાત મુદ્દે સંચાલક અને તબીબ સહિત ત્રણ સામે ફરિયાદ
શહેરી વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં નિયમોનું ઉલંધ્ધન કરી ગેરકાયદેસર ગર્ભપાત કરી ભૃણનો છુપી રીતે નિકાલ કરતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેને ધ્યાને લઈ ચોટીલા આણંદપુર(ભા) પીએચસીના મેડીકલ ઓફીસર અને થાન તાલુકાના ઈન્ચાર્જ હેલ્થ ઓફીસર દ્વારા તપાસ કરતા સોનોગ્રાફી સહિતની બાબતોમાં ગેરરીતિ સામે આવી હતી. જે મામલે થાન પોલીસ મથકે ખાનગી હોસ્પિટલના સંચાલક ડોક્ટર અને હોસ્પિટલમાં કામ કરતા મહિલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
ચોટીલા ખાતે રહેતા અને ચોટીલાના આણંદપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર તેમજ થાન તાલુકાના ઈન્ચાર્જ હેલ્થ ઓફીસર તેમજ ફરિયાદી ડો.દિલીપભાઈ ગોવિંદભાઈ વાલાણીને સોશિયલ મીડિયા દ્વારા થાન રૃપાવટી ચોકડી પાસે આવેલ ખાનગી હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભપાત કરી ભૃણહત્યા કરવામાં આવી હોવાની માહિતી મળતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સુચનાથી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં ચેકિંગ દરમિયાન રેકર્ડ તપાસ કરતા સરકારના નિયમ મુજબ સોનોગ્રાફી માટેની માહિતી ભરવામાં આવતી નહોતી.
તેમજ આ હાસ્પિટલને મેડીકલ ટર્મીનેશન ઓફ પ્રેગનન્સી દ્વારા માન્યતા આપવામાં ન આવી હોવા છતાં નિયમોનું ઉલંધ્ધન કરી ગર્ભપાત કરતા હોવાનું સામે આવ્યું હતું. રજિસ્ટર મેડીકલ પ્રેકટીસનર ન હોવા છતાં ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરતા હોવાનું જણાઈ આવતા આ અંગે હોસ્પિટલના સંચાલક રાજેશભાઈ ગીગાભાઈ ગોજીયા, દિનેશભાઈ પુરષોત્તમ ભાઈ ઘરસંડીયા ઉર્ફે ડો.પટેલ અને હોસ્પિટલમાં કામ કરતા નિતાબેન ઝીંઝુવાડીયા સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.