રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે નિવૃત્ત બેંક કર્મચારીના મકાનનો ઉપરનો માળ ભાડુઆતે પચાવી પાડતા ફરિયાદ
150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાછળ મોમ્બાસા એવન્યુ શેરી નં.4માં રહેતાં ખાનગી બેન્કના નિવૃત કર્મી દિલીપભાઈ સોમનાથભાઈ ભટ્ટ (ઉ.વ.68)ના ડુપ્લેક્ષ મકાનનો ભાડે આપેલો ઉપરનો માળ ભાડુઆત ગોવિંદ અજાભાઈ ખેર (રહે. ચંદન પાર્ક, રૈયા રોડ) નામના શખ્સે પચાવી પાડતા ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
દિલીપભાઈએ પોલીસને જણાવ્યું કે તેને પહેલા એક માળનું બે બેડરૂૂમ હોલ કિચનવાળું બાંધકામ કરી મકાન બનાવ્યું હતું. ત્યાર બાદ 1998માં બીજા માળનું બાંધકામ કરી બે બેડરૂૂમ હોલ કિચન એવી રીતે મકાન બનાવ્યું હતું.જે મકાનમાં તે નીચે રહેતા હતા. જયારે ઉપરનો માળ ભાડે આપતા હતા. આ માળે તેના સગા પલકભાઈ ભટ્ટ રહેતાં હોય તે તેની અમદાવાદ બદલી થતાં ર0રરમાં મકાન ખાલી કરી જતા રહ્યા હતા.
ત્યાર બાદ તે જ વિસ્તારમાં દુકાન ધરાવતા જમીન-મકાનના ધંધાર્થી પ્રકાશભાઈ મારફતે ઉપરનો માળ આરોપીને રૂૂા. 8500ના માસીક ભાડા પેટે લીવ એન્ડ લાયસન્સ એગ્રીમેન્ટ કરાર કરી ગઈ તા.1-1-2023 થી તા.30-11-2023 સુધી 11 માસના ભાડે આપેલો હતો.જેમાં આરોપી ઉપરાંત તેના પત્ની બે સંતાનો સાથે રહે છે. કરાર સમયે 1 થી 5 તારીખ દરમિયાન ભાડુ ચુકવવું, ગેસ અને લાઈટ બિલ ચુકવવું તેમજ એક ભાડુ ડીપોઝીટ પેટે આપવાનું નકકી થયું હતું. આરોપીએ ઓગષ્ટ સુધી ભાડુ આપ્યા બાદ ઓગષ્ટ માસ ભાડામાંથી રૂૂા. 2500 બાકી રાખ્યા હતા.એક ભાડુ એડવાન્સ પેટે આપેલું હોવાથી તે ફેબ્રુઆરીમાં રૂૂપિયાની અગવડતા હોવાનું કહી આરોપીએ તેમાં ગણી લેવા કહ્યું હતું.
સપ્ટેમ્બર માસમાં ભાડુ માગતા આરોપીએ આવતા માસે બંને મહિનાનું ભાડુ સાથે આપી દઈશ તેમ જણાવ્યું હતું. પરંતુ રકમ આપી ન હતી. બીજી તરફ તેને મકાન ખાલી કરવાનું કહેતાં તેણે મારે અમદાવાદનો ફલેટ છે તે વેંચાઈ જાય એટલે હું રાજકોટમાં ફલેટ લઈ ત્યાં જતો રહેવાનું છું તેમ જણાવ્યું હતું. ભાડા કરાર પૂરો થયા બાદ તે અવાર-નવાર મકાન ખાલી કરવાનું જણાવતા તે બહાના કાઢી ખાલી કરતો ન હતો. તેના પુત્ર અને પુત્રવધૂને ઉપરના માળે રહેવા જવું હોવાથી મકાનની જરૂૂરીયાત હોવાથી આ અંગે ક્લેકટર કચેરીમાં લેન્ડગ્રેબિંગની અરજી કરી હતી.હાલ એસીપી વી.જી.પટેલ તપાસ ચલાવી રહ્યા છે.