બોટાદમાં લૂંટ અને તોડફોડ અંગે પોલીસે કાર્યવાહી ન કરતા એસ.પી., ડી.વાય.એસ.પી સહિત સાત સામે ફરિયાદ
બોટાદના પાળીયાદ રોડ પર રહેતા યુવાન ઉપર ચાર શખ્સોએ હુમલો કરી રૂૂ.10 હજાર રોકડા બળજબરીપૂર્વક લઈ લીધા બાદ બાઇકમાં તોડફોડ કરીને નુકસાન કરવાની ઘટનામાં પોલીસે ફરિયાદ ન લેતા યુવાને તેના વકીલ મારફત બોટાદની કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે.
બોટાદના પાળીયાદ રોડ પર આવેલ કૃષ્ણનગર સોસાયટી, શેરી નં.04માં રહેતા અને હીરાનું કામ કરતા યુવાન બાબુભાઈ કેશુભાઈ પરમાર ગત તા.03 ઓક્ટોબરના રોજ બાઇક લઈને તેમના ઘરે જઈ રહ્યા હતા ત્યારે તુરખા રોડ પર મનસુખભાઈ વાલજીભાઈ પરમારે તેમને સાદ પાડી ઊભા રાખ્યા હતા તે દરમિયાન ભૂપત ગોરધનભાઇ ચૌહાણે પાછળથી આવી બાઈકની ચાવી કાઢી લીધી હતી અને ઢીકાપાટુંનો માર મારી શર્ટના ખીસ્સામાંથી રૂૂ.10,000 રોકડા બળજબરીપૂર્વક કાઢી લીધા હતા. દરમિયાન ત્રણ અજાણ્યા માણસો આવી ગયા હતા અને મારમારી મોટરસાઇકલમાં તોડફોડ કરી હતી. આ બનાવ અંગે બોટાદ પોલીસ હોસ્પિટલ આવી હતી. પરંતુ આરોપી સાથે સારા સંબંધ હોવાથી નિવેદન નોંધ્યા વગર જતી રહી હતી ત્યાર બાદ બીજા દિવસે બાબુભાઈ પરમારે બોટાદ પોલીસ સ્ટેશન તેમજ ડીજીપીને ઇમેઇલ કરીને અરજી આપી હતી.
આ મામલે બાબુભાઈએ પી.આઈ, ડી.વાય.એસ.પી. તેમજ એસ.પી.ને રજૂઆતો કરવા છતાં નિવેદન તેમજ ગુનો નોંધવામાં ન આવતા બાબુભાઈ પરમારે તેમના વકીલ મારફત બોટાદના ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ભુપતભાઈ ગોરધનભાઇ ચૌહાણ અને ત્રણ અજાણ્યા શખ્સ તેમજ બોટાદ એસ.પી. ધર્મેન્દ્ર શર્મા, ડી.વાય.એસ.પી. મહષ નટવરભાઈ રાવલ તેમજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ.શૌરીન રમેશભાઈ ખરાડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવા અરજી આપી છે.
