રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝાનું નકલી ફેસબુક આઈડી બનતા ફરિયાદ
સોશિયલ મીડિયા એ લોકો માટે જેટલું ફાયદાકારક છે તેટલું ઘાતક પણ છે. લોકો પાસેથી નાણા ખંખેરવા માટેનું સાધન પણ આ સોશિયલ મીડિયા બન્યું છે. ગુજરાતમાં નકલીની ભરમાર હોય તેમ એક બાદ એક નકલી વસ્તુ, લોકો સામે આવી રહ્યા છે. રાજકોટના પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે સાયબર ક્રાઈમની ટીમે વધુ તપાસ શરૂ કરી છે.
નકલી એકાઉન્ટ બનાવનાર શખ્સ દ્વારા અલગ અલગ લોકોને મેસેજ કરી નાણાની માંગણી કરી રહ્યો છે. પોલીસ કમિશનર દ્વારા આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરવામાં આવી છે અને તેથી આ નકલી એકાઉન્ટ બનાવનાર શખ્સને ઝડપી લેવા માટે તપાસ શરૂૂ કરી છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં ડીપીમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમમાં પોલીસ કમિશનર ઊભા હોય તેવો ફોટો રાખવામાં આવેલો છે. ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ સાથેના પણ ફોટા મુકવામાં આવ્યા છે.
બ્રિજેશ કુમાર ઝા 1999 બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. મે 2024 માં રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલી દુર્ઘટના બાદ તેમની રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તે પહેલાં તેઓ અમદાવાદના સેક્ટર-2ના સ્પેશિયલ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ મૂળ ઝારખંડના દેવઘરના વતની છે અને તેમણે દિલ્હીની હિન્દુ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. તેઓ અગાઉ આઈજી એડમિનિસ્ટ્રેશન ગુજરાત પોલીસ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.