મહેસાણામાં વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં ચાર પ્રોફેસરો-પ્રિન્સિપાલ સામે ફરિયાદ
મહેસાણામાં વિદ્યાર્થિનીના આપઘાત મામલે ફરિયાદ નોંધાઈ છે. બાસણા નજીક હોમિયોપેથી કોલેજમાં વિદ્યાર્થિનીના આપઘાત મામલે કોલેજના 4 પ્રોફેસર અને 1 પ્રિન્સિપલ સામે ફરિયાદ નોંધાઈ છે.
2 મહિનાથી પ્રોફેસર ત્રાસ આપતા હોવાની ફરિયાદ છે.સાથે જ જાહેરમાં અપમાનિત કરી પરેશાન કરતા હોવાનો આરોપ છે. ઉપરાંત કોઈ પણ બહાને સ્પર્શ કરવાનો, વધુ વાર લખાણ આપતા હોવાનો, સતત 2થી 3 કલાક એક જગ્યાએ ઊભા રાખતા હોવાનો, માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાનો અને પ્રિન્સિપાલે પણ પ્રોફેસરનો સાથ આપ્યાનો આરોપ છે.વિદ્યાર્થિનીને મરણ જવા માટે દુષ્પ્રેરણા કરવા અંગેની ફરિયાદ નોંધાઇ છે. મહેસાણા તાલુકા પોલીસ મથકે વિદ્યાર્થિનીના પિતાએ ફરિયાદ આપી છે.
વિદ્યાર્થીઓએ પ્રોફેસર પાસે જાહેરમાં માફી મંગાવી હતી. ન્યાયની માગ સાથે વિદ્યાર્થીઓ કેમ્પસમાં બેસી રહ્યા હતા. જ્યારે આક્ષેપિત પ્રોફેસરને છૂટા કરાયા છે. કોલેજ કેમ્પસ છોડતા પહેલા પ્રોફેસરે માફી માગી હતી અને કહ્યુ હતુ કે, સારા તબીબ બનવા પ્રેશર આપ્યુ હોય તો દિલગીર છું. ભવિષ્યમાં સારા તબીબ તરીકે જોવુ તેવી શુભેચ્છા છે. જ્યારે પ્રિન્સિપાલે તપાસમાં સહકારની વાત કરી છે.