મીઠાપુરમાં ગેસ સિલિન્ડર તેમજ રોકડ રકમ મેળવીને નાસી છૂટેલા ચાર શખ્સો સામે ફરિયાદ
ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં ગ્રાહકોને ગેસ સિલિન્ડરની ડીલીવરી કરવા સંદર્ભે સોંપવામાં આવેલી જવાબદારીમાં ચાર પરપ્રાંતીય (રાજસ્થાની) શખ્સોએ રોકડ રકમ તેમજ ગેસ સિલિન્ડર સહિતના રૂૂ. 2.39 લાખના મુદ્દામાલની ચોરી કરીને નાસી છૂટ્યાના બનાવ અંગે પોલીસ ફરિયાદ થઈ છે.
આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકાના તાલુકાના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા અને સહકારી સંસ્થામાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા નરેન્દ્રભાઈ જાદવભાઈ ટાકોદરાએ રાજસ્થાન રાજ્યના જોધપુર જિલ્લાના મૂળ રહીશ એવા મુલારામ રત્નારામ રાયકા, ત્રિલોક રત્નારામ રાયકા, મુલારામ રાયકા તથા રામસ્વરૂૂપ રત્નારામ રાયકા સામે મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે ફરિયાદી નરેન્દ્રભાઈ ટાકોદરા દ્વારા આરોપીઓને એક ગેસ સિલિન્ડર ગ્રાહકના ઘર સુધી પહોંચાડવા માટે 18 રૂૂપિયાનું કમિશન નક્કી કરવામાં આવ્યું હતું.
જેથી આરોપીઓએ કુલ 116 ઘરવપરાશ માટેના ગેસ સિલિન્ડરની સિલક રૂૂ. 1,01,094 તથા કોમર્શિયલ ગેસ ભરેલા 41 સિલિન્ડર જેની કિંમત રૂૂપિયા 69,085 તેમજ અન્ય 41 કોમર્શિયલ બાટલાની સિલક રૂૂપિયા 69,085 મળીને કુલ રૂૂપિયા 2,39,206 ની રોકડ રકમ એકબીજાની મદદગારી કરીને ચોરી કરીને લઈ ગયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે મીઠાપુર પોલીસે તમામ ચાર રાજસ્થાની આરોપીઓ સામે બી.એન.એસ.ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
