પાટડીના વણોદમાં કંપનીના કર્મચારીઓએ 46.52 લાખની ઉચાયત કરતા પોલીસમાં ફરિયાદ
પાટડીના વણોદમાં આવેલી કંપનીના એકાઉન્ટન્ટ, મેનેજર અને ટ્રાન્સપોર્ટના માલિકે ભેગા મળી રૂૂ. 46.52 લાખની છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. જે અંગે કંપનીના હરિયાણાના માલિકે હરિયાણાના આ ત્રણેય કર્મચારીઓ વિરૂૂદ્ધ વણોદની ટેકનીકો ઇન્ડસ્ટ્રીઝમાં પાંચ વર્ષમાં રૂૂ. 46.52 લાખની છેતરપિંડી કર્યાની દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પાટડી તાલુકાના વણોદ ખાતે આવેલી ટેકનીકો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં સને 2017થી એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા મૂળ હરિયાણાના પ્રિન્સકુમાર સિંગલા, અને કરનાલ હરિયાણામાં શર્મા ટ્રાન્સપોર્ટના માલિક સુરેન્દ્રકુમાર શર્માએ ભેગા મળી સને 2018થી 2022 દરમિયાન રૂૂ. 14,46,076ના ખોટા બિલો અને ખોટા વાઉચરો બનાવી અને સને 2020થી 2022 દરમિયાન આ બંને આરોપીઓએ ભેગા મળી શર્મા ટ્રાન્સપોર્ટ કંપનીના નામે ખોટા બિલો બનાવી રૂૂ. 24,33,340 મળી કુલ રૂૂ. 38,79,416 રકમની કંપનીમાંથી ગેરકાયદે રીતે પોતાના આર્થિક લાભ માટે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હતો.
જ્યારે આ જ ટેકનીકો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં એચ.આર. મેનેજર તરીકે ફરજ બજાવતા મૂળ ગોંરેગાંવ હરિયાણાના હેમંત શર્માએ પણ જૂન 2021થી ફેબ્રુઆરી 2022 દરમિયાન માત્ર 9 મહિનાના ગાળામાં ખોટા મજૂરો ઉભા કરી ખોટી એક્ષેલ સીટ તૈયાર કરી ખોટા મજૂરોના નામે 7,73,219નું ગેરકાયદે પોતાના આર્થિક લાભ સારૂૂ છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હતો.
આ અંગે વણોદ ખાતે આવેલી ટેકનીકો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીના માલિક મૂળ હરિયાણાના પ્રદીપ તનેજાએ આ ત્રણેય આરોપીઓ વિરૂૂદ્ધ દસાડા પોલીસ મથકે કુલ રૂૂ. 46,52,635ની છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આ ત્રણેય આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ દસાડા પીઆઇ વાય.જી.ઉપાધ્યાય ચલાવી રહ્યાં છે.આ બનાવે ચકચાર મચી છે.