હરિપર પાળમાં ગરબીના આયોજન મુદ્દે ચાલતાં મનદુ:ખમાં ધોકા ઉડ્યા: બેને ઇજા
સામ સામે મારમારીમાં ઘવાયેલા બંને યુવાનને સારવાર માટે ખસેડાયા; પોલીસ તપાસ જારી
શહેરની ભાગોળે લોધીકાના હરિપર પાળ ગામે ધોકાથી મારામારી થતાં સામ સામે બે યુવાનને ઇજા થઇ હતી. અગાઉ ગરબીના આયોજન બાબતે મનદુ:ખ સર્જાર્યુ હોઇ તેનો ખાર રાખી આ ડખ્ખો કરાયો હતો. મારમારીમાં ઘવાયેલા બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરની ભાગોળે કાલાવડ રોડ ઉપર આવેલા લોધીકાના હરિપર પાળ ગામે રહેતાં અને ખાનગી સ્કૂલની બસનું ડ્રાઇવીંગ કરતાં ભાવેશ ગોવિંદભાઇ વાળા (ઉ.વ.24) પર સાંજે ગામના જ નાજા ખીમજીભાઇ રાતડીયાએ ધોકાથી હુમલો કરી માર મારતાં અને નાક પર કડુ મારતાં માથા, નાક, શરીરે ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
વળતા પ્રહારમાં સામા પક્ષે હરિપર પાળના નાજા ખીમજીભાઇ રાતડીયા (ઉ.વ.25) ઉપર ભાવેશ વાળા, દિનેશ સહિતે ધોકાથી હુમલો કરી માર માર્યાના આક્ષેપ સાથે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરતા મેટોડા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં ભાવેશે જણાવ્યું હતું કે મારા કાકાનો દિકરો સતિષ દિનેશભાઇ વાળા ગરબીનું આયોજન કરે છે. આ વાત નાજાભાઇને ખટકતી હોઇ જે તે વખતે બોલાચાલી થઇ હતી અને મનદુ:ખ સર્જાયું હતું. બે દિવસ પહેલા મારો ભાઇ સતિષ અવધ ખાતે સિક્યુરીટીની નોકરી પર હતો ત્યાં જઇને નાજો સહિતના ઝઘડો કરી આવ્યા હતાં. ગત સાંજે ફરીથી સતિષ સાથે આ લોકો બોલાચાલી કરતાં હોઇ હું વચ્ચે પડતાં મારા પર ધોકાથી હુમલો કર્યો હતો. પોલીસે ખરેખર કયા કારણે માથાકુટ થઇ તેની તપાસ હાથ ધરી છે.