ઢુવા ચોકડી પાસે જૂની અદાવતમાં શ્રમિકો વચ્ચે બઘડાટી: પાંચ ઘવાયા
હેર સલૂનમાં વાળ કપાવવા માટે બંને જૂથ ભેગા થઈ જતાં કાતર અને પાઈપ વડે થઈ મારામારી ; સામસામે ફરિયાદ
વાંકાનેરના ઢૂવા ચોકડી નજીક બંધુનગર વિસ્તારમાં રહેતા પંજાબના બે જૂથ વચ્ચે ચાલતી જુની અદાવતમાં બન્ને જૂથ ગઈકાલે ઢૂવા ચોકડી પાસે હેર સલૂનમાં વાળ કપાવવા માટે ભેગા થઈ જતાં બોલાચાલી થઈ હતી. જેમાં બન્ને પક્ષે સામસામે કાતર અને પાઈપ વડે મારામારી થઈ હતી. જે મારામારીમાં બન્ને પક્ષે પાંચ જેટલા લોકોને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. ઘટનાને પગલે પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુળ પંજાબના વતની અને હાલ વાંકાનેર નજીક ઢૂવા ચોકડી નજીક આવેલા બંધુનગરમાં રહેતાં દિલબાગસિંઘ સુખદેવસિંઘ ગીલ (ઉ.32), ગુરૂપ્રીતસિંઘ દિલબાગસિંઘ ગીલ (ઉ.23) અને ક્રિપાલસિંઘ જલશીરસિંઘ (ઉ.25) સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં ઢૂવા ચોકડી પાસે આવેલ હેર સલૂનમાં હતાં ત્યારે સન્ની અને ગુરૂસેવક સહિતના અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી પાઈપ અને કાતર વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણેય યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યારે વળતા પ્રહારમાં સન્ની અને ગુરૂસેવક સહિતના ઉપર પણ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી માર મારવામાં આવ્યો હતો.
જેમાં બે યુવકને ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર અર્થે મોરબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. ઘટનાની જાણ થતાં જ વાંકાનેર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે અને રાજકોટ તથા મોરબી હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તોના નિવેદન નોંધ્યા હતાં.
પ્રાથમિક પુછપરછમાં ઢૂવા ચોકડી પાસે જાહેરમાં બઘડાટી કરનાર બન્ને જૂથના શખ્સો મૂળ પંજાબના છે અને પંજાબમાં થયેલી બોલાચાલીનો ખાર રાખી ગઈકાલે હેરસલૂનમાં બન્ને પક્ષના શખ્સો વાળ કપાવવા માટે ભેગા થઈ જતાં જ્યાં જૂથ અથડામણ થયું હોવાનું જાણવા મળ્યું છે. જે મારામારીમાં પાંચ લોકોને ઈજા પહોંચતાં પોલીસે મારામારી કરનાર બન્ને જૂથના સામસામા પાંચ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે.